Close

આણંદ શહેર અને તાલુકાના વિધવા સહાય અને વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી જરૂરી

Publish Date : 09/06/2026

મામલતદાર કચેરી આણંદ શહેર ખાતે લાભાર્થીઓ દરરોજ હયાતીની ખરાઈ કરાઈ શકાશે

તા.11 જૂનના રોજ નગર પ્રાથમિક શાળા નંબર 07 ખાતે ખાસ કેમ્પ યોજાશે

આણંદ, સોમવાર, રાજ્ય સરકારની વિધવા સહાય યોજના અને વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી આવશ્યક છે. જે લાભાર્થીઓ સમયસર હયાતીની ખરાઈ એટલે કે ઈ- કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહીં કરાવે તેમને મળતી સહાય  આગામી સમયથી અટકી શકે છે.

આણંદ શહેર અને તાલુકાના લાભાર્થીઓને એક સ્થળે હયાતીની ખરાઈ કરાવવાની સુવિધા મળી રહે તેવા હેતુથી આણંદ શહેર મામલતદાર શ્રી દ્વારા આગામી તા.11 જૂનના રોજ નગર પ્રાથમિક શાળા નંબર 07, હીરો શોરૂમ ની બાજુમાં, ગણેશ ચોકડી પાસે, આણંદ ખાતે સવારે 10:00 કલાક થી બપોર બાદ 14-00 કલાક સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં લાભાર્થીઓએ આધાર કાર્ડ અને પોતાના મોબાઈલ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે, આણંદ શહેર અને તાલુકાના ગંગા સ્વરૂપા આર્થિક સહાય એટલે કે વિધવા સહાય યોજના અને નિરાધાર વૃદ્ધ આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને હયાતીની ખરાઈ (e-kyc) કરાવવા માટે આ કેમ્પનો લાભ લેવા મામલતદાર આણંદ શહેર દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત મામલતદાર કચેરી આણંદ શહેર ખાતે સરકારી કામકાજના દિવસો દરમિયાન દરરોજ વિધવા સહાય યોજના અને વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓ હયાતીની ખરાઈ ઈ – કેવાયસી કરાવી શકશે.