Close

આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં પેટલાદની એસ.એસ. હોસ્પિટલ ખાતે જીલ્લા રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ

Publish Date : 06/07/2026

પેટલાદ એસ.એસ. હોસ્પિટલની ઉત્કૃષ્ટ કામગીરી: વર્ષ દરમિયાન ૨.૨૮ લાખથી વધુ દર્દીઓએ ઓ.પી.ડી. સેવાનો લાભ લીધો

સરકારશ્રીની પીએમજેએવાય યોજના હેઠળ હોસ્પિટલે ૭.૮૩ કરોડથી વધુના ક્લેઈમ મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી

આણંદ, શનિવાર, આણંદ જિલ્લાના પેટલાદ સ્થિત એસ.એસ. હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરવા અને આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જીલ્લા રોગી કલ્યાણ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા આ બેઠકમાં એસ.એસ. હોસ્પિટલ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન કરવામાં આવેલી કામગીરીની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ અવસરે હોસ્પિટલ દ્વારા દર્દીઓની સેવા અને આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં મેળવેલી નોંધપાત્ર સફળતાને કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી દ્વારા બિરદાવવામાં આવી હતી અને સંસ્થાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.

એસ.એસ. હોસ્પિટલ, પેટલાદના સિવિલ સર્જન ડો. કાપડીયાના જણાવ્યા મુજબ ગત નાણાકીય વર્ષ દરમિયાન કુલ ૨,૨૮,૦૭૫ જેટલા દર્દીઓએ ઓ.પી.ડી. વિભાગમાં સારવાર મેળવી હતી, જ્યારે ૫૧,૬૫૪ જેટલા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરીને સઘન સારવાર આપવામાં આવી હતી. શસ્ત્રક્રિયાના ક્ષેત્રમાં પણ વર્ષ દરમિયાન ૪,૨૨૪ મેજર સર્જરી અને ૫,૧૪૭ માઇનોર સર્જરી  કરવામાં આવી છે.

ડોક્ટર કાપડિયા એ વધુમાં જણાવ્યું કે એસ.એસ. હોસ્પિટલના લેબોરેટરી વિભાગે કુલ ૯,૧૦,૧૯૬ દર્દીઓના વિવિધ લોહી, પેશાબ અને અન્ય જટિલ લેબ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આણંદ જિલ્લાની વિવિધ આરોગ્ય સંસ્થાઓ ખાતેથી મળેલા ૨,૮૮૯ સેમ્પલનું પણ અહીં પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં સગર્ભા મહિલાઓ અને ટી.બી.ના દર્દીઓના નિદાનનો સમાવેશ થાય છે. વિશેષ તપાસ અંતર્ગત લોહીના ૮૬૪, ગળફાના ૭૪૭ અને પાણીના બેક્ટેરિયાની તપાસ માટે વિવિધ ગામોના ૬૦૮ સેમ્પલની ચકાસણી કરાઈ હતી. ઇન્ફેક્શન કંટ્રોલ માટે હોસ્પિટલ દ્વારા ૬૭૦ પ્રોબ કલ્ચર રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. રેડિયોલોજી વિભાગમાં કુલ ૧૨,૩૨૧ એક્સ-રે અને ૬,૯૧૮ સોનોગ્રાફી ટેસ્ટ દ્વારા દર્દીઓને સચોટ નિદાન સેવા પૂરી પાડવામાં આવી હતી.

સરકારશ્રીની લોકકલ્યાણકારી યોજના પીએમજેએવાય (PMJAY) હેઠળ એસ.એસ. હોસ્પિટલ, પેટલાદ દ્વારા દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપીને આર્થિક રાહત પૂરી પાડવામાં આવી છે. આ યોજના અંતર્ગત હોસ્પિટલ દ્વારા કુલ ૭,૬૭૪ ક્લેઈમ કરવામાં આવ્યા હતા, જેની કુલ ૭,૮૩,૪૧,૩૬૦ રૂપિયા જેટલી થવા જાય છે. આ માતબર રકમના ક્લેઈમ હોસ્પિટલની વહીવટી પારદર્શિતા અને ગરીબ તેમજ મધ્યમ વર્ગના દર્દીઓ સુધી સરકારી યોજનાના લાભો પહોંચાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

બેઠકના અંતે કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ આગામી સમયમાં પણ આ જ ગતિએ જનસેવાનું કાર્ય ચાલુ રાખવા માટે ખાસ સૂચન કર્યું હતું.

આ બેઠકમાં આરોગ્ય વિભાગના ડોક્ટર સહિત અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં પેટલાદની એસ.એસ. હોસ્પિટલ ખાતે જીલ્લા રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ