Close

આણંદ જિલ્લામાં UGC-NET June 2026 ની પરીક્ષાને અનુલક્ષીને જાહેર કરાયેલ પ્રતિબંધો તા.૩૦ મી જૂન સુધી અમલી રહેશે

Publish Date : 20/06/2026

આણંદ, શુક્રવાર : આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ તેમને મળેલ સત્તાની રૂએ આગામી તા.૩૦/૦૬/૨૦૨૬ સુધી આણંદ જિલ્લામાં National Testing Agency, New Delhi દ્વારા યોજાનાર UGC-NET June 2026 ની પરીક્ષાને ધ્યાને લઈને પરીક્ષાના દિવસ દરમિયાન પરીક્ષા કેન્દ્રએ કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.

આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે પરીક્ષાના કેન્દ્ર પર સુચારૂ અને નિષ્પક્ષ સંચાલનમાં પરીક્ષા યોજાય તેમજ પરીક્ષા દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તા.૩૦/૦૬/૨૦૨૬ સુધી કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

જે અન્વયે પરીક્ષા કેન્દ્રની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલ અધિકૃત વ્યકિત સિવાય અન્ય કોઇપણ બિનઅધિકૃત વ્યકિત તથા સંબંધિત પરીક્ષા કેન્દ્ર જે શાળામાં આવેલ હોય તે શાળાના સંચાલક મંડળના સભ્યશ્રીઓ કે હોદ્દેદારોને પરીક્ષા કેન્દ્રમાં કે કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં પરીક્ષાના દિવસે અને સમય દરમ્યાન પ્રવેશ કરી શકશે નહી.

આ જાહેરનામા મુજબ પરીક્ષાના દિવસ દરમિયાન સવારના ૦૮-૦૦ થી સાંજના ૧૯-૦૦ કલાક સુધી પરીક્ષા કેન્દ્રની કમ્પાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરથી ૩૦૦ મીટરની ત્રિજયામાં આવેલ તમામ ઝેરોક્ષ મશીન, સાયબર કાફે, ફોટોકોપી સેન્ટર બંધ રાખવા તેમજ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થી તેમજ સરકારી પ્રતિનિધિ સિવાયના પરીક્ષા સાથે સંકળાયેલ કોઈ પણ કર્મચારી મોબાઇલ ફોન કે ઇલેકટ્રોનિક માધ્યમથી સંદેશાવ્યવહાર કે રેર્કોડીંગ થઇ શકે તેવા કોઇપણ પ્રકારના ઉપકરણો સાથે લઇ પરીક્ષા બિલ્ડિંગમાં પ્રવેશ ન કરવા ઉપરાંત પરીક્ષા કેન્દ્રની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયામાં જાહેરમાં લાઉડસ્પીકર કે મ્યુઝિક બેન્ડ કે ડી.જે.મ્યુઝિક સીસ્ટમ વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રાખવા પણ જણાવાયું છે.

વધુમાં પરીક્ષા કેન્દ્રની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલ અધિકૃત વ્યકિત સિવાય અન્ય કોઈપણ બિન અધિકૃત વ્યકિત ચાર કરતાં વધારે માણસોના ભેગા થવા તથા ચાર કરતાં વધુ માણસોની કોઈ સભા ભરવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું UGC NET June 2026 પરીક્ષા માટેના જિલ્લામાં દર્શ ઈન્ફોટેક, ૩૦૭ થી ૩૧૪, ત્રીજો માળ, સિગ્મા કૉમ્પ્લેક્ષ, સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે, ડિમાર્ટની ઉપર, વલ્લભ વિદ્યાનગર, તા.જી. આણંદ ૩૮૮૧૨૦ તથા સી.પી.પટેલ એન્ડ એફ.એચ.શાહ કોમર્સ કોલેજ, એસ.એસ.પટેલ આર્ટસ કોલેજ પાસે, સરદાર પટેલ ઓવરબ્રિજ, આણંદ-૩૮૮૦૦૧ ખાતેના પરીક્ષા કેન્દ્રો અને તેના વિસ્તારને લાગુ પડશે, તેમજ આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમ કાયદાની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.