આણંદ જિલ્લામાં “FSAS – Fertilizer Sale Application System” અંતર્ગત સબસીડાઈઝ ખાતર પ્રિ-બુકિંગ પ્રોજેક્ટનો પ્રારંભ

Publish Date : 18/11/2026

આણંદ, મંગળવાર , ભારત સરકાર દ્વારા ખેડૂતોને સબસીડાઈઝ ખાતર સરળતાથી, પારદર્શક રીતે અને સમયસર ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી આધુનિક ટેકનોલોજી આધારિત ‘Fertilizer Sale Application System (FSAS)’ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં ખેડૂતોને વધુ સરળ, ઝડપી અને સુવ્યવસ્થિત સેવા પૂરી પાડવા માટે સૌપ્રથમ સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં આ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ (પ્રયોગાત્મક અમલવારી) હાથ ધરવામાં આવ્યો હતો, જેની સફળતા બાદ તા.૧૨/૧૧/૨૦૨૬ના રોજથી આણંદ જિલ્લામાં પણ આ નવી ડિજિટલ વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ એપ્લિકેશનના માધ્યમથી ખેડૂતો હવે ઘેર બેઠા પોતાના મોબાઈલ દ્વારા રિટેલ ખાતર વિક્રેતા અથવા સહકારી મંડળી મારફતે જરૂરી ખાતરનું અગાઉથી બુકિંગ (Pre-booking) કરી શકશે. આ સુવિધાને કારણે ખેડૂતોને પોતાની નજીકના સ્થળે ખાતરની ઉપલબ્ધતા અંગે ઘેર બેઠા સચોટ જાણકારી મળશે, જેનાથી ખાતરની દુકાનો પર થતી અનાવશ્યક ભીડમાં ઘટાડો થશે અને ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભા રહેવાની મુશ્કેલીમાંથી કાયમી રાહત મળશે.

આ નવી ડિજિટલ પહેલથી રાસાયણિક ખાતર વિતરણ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા આવશે, સમયસર ખાતર ઉપલબ્ધ થશે અને સમગ્ર વેચાણ તથા વિતરણ વ્યવસ્થામાં વધુ કાર્યક્ષમતા આવશે. આ પ્રક્રિયામાં ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આણંદ જિલ્લાના ખાતર વિક્રેતાઓ અને સહકારી મંડળીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન અને સહાયતા પૂરી પાડવામાં આવશે. તેમજ આ અંગે વધુ માહિતી માટે નજીકની કૃષિ કચેરીનો સંપર્ક કરવા ખેડૂતોને નાયબ ખેતી નિયામક(વ) દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.