Close

આણંદ જિલ્લામાં ૨૩ જૂનથી ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થશે

Publish Date : 23/06/2026

જિલ્લા પ્રભારી સચિવ શ્રી અવંતિકા સિંઘ વિવિધ શાળાઓમાં ભૂલકાઓને પ્રવેશ અપાવી શિક્ષણના મહાપર્વમાં સહભાગી થશે

ત્રણ દિવસ દરમિયાન ચિખોદરા, કુંજરાવ, ત્રણોલ, વિદ્યાનગર, મોગરી અને ગાના સહિતની શાળાઓમાં નામાંકન ઉત્સવમાં ઉપસ્થિત રહેશે

આણંદ, સોમવાર, સમગ્ર ગુજરાત રાજ્યની સાથે આણંદ જિલ્લામાં પણ શિક્ષણના વ્યાપને વધારવા અને બાળકોમાં શિક્ષણ પ્રત્યે અભિરૂચિ જગાડવા માટે તારીખ ૨૩ જૂનથી ત્રિ-દિવસીય ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

શિક્ષણના આ મહાકુંભ અંતર્ગત આણંદ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી અવંતિકા સિંઘ ખાસ ઉપસ્થિત રહીને જિલ્લાની વિવિધ શાળાઓમાં ભૂલકાઓનું નામાંકન કરાવશે. આ અભિયાન દ્વારા જિલ્લાના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં શૈક્ષણિક જાગૃતિ લાવવા અને બાળકોના શાળા પ્રવેશને ઉત્સવ તરીકે ઉજવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે એટલે કે તારીખ ૨૩ જૂનના રોજ પ્રભારી સચિવ શ્રી અવંતિકા સિંઘ સવારે ૧૦:૦૦ કલાકે ચિખોદરા કુમારશાળા ખાતેથી પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવશે. ત્યારબાદ તેઓ સવારે ૧૧:૧૫ કલાકે જી. એલ. પટેલ હાઇસ્કૂલ કુંજરાવ અને બપોરે ૧૨:૩૦ કલાકે સી. વી. પટેલ હાઇસ્કૂલ ત્રણોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી બાળકોને શાળામાં પ્રવેશ અપાવશે.

અભિયાનના બીજા દિવસે તારીખ ૨૪ જૂનના રોજ પ્રભારી સચિવ વિદ્યાનગર વિસ્તારની વિવિધ શાળાઓની મુલાકાત લેશે. જેમાં સવારે ૧૦:૦૦ કલાકે મ કી સરસ્વતી પ્રાથમિક શાળા વિદ્યાનગર ખાતે કાર્યક્રમ યોજાશે, જે બાદ ૧૧:૧૫ કલાકે સીવીએમ કોમન સ્ટ્રીમ વિદ્યાનગર અને બપોરે ૧૨:૩૦ કલાકે આઇ. બી. પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ વિદ્યાનગર ખાતે પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવશે. પ્રભારી સચિવશ્રીના હસ્તે ભૂલકાઓનું નામાંકન કરાવી તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે. શાળા પ્રવેશોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે ૨૫મી જૂન, ગુરુવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે એમકો એલીકોન પ્રાથમિક શાળા ખાતે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ ૧૧:૧૫ કલાકે મહાત્મા ગાંધી વિદ્યાલય મોગરી અને બપોરે ૧૨:૩૦ કલાકે કે. ડી. પટેલ વિદ્યામંદિર -ગાના ખાતે પ્રભારી સચિવ શ્રી અવંતિકા સિંઘની પ્રેરક ઉપસ્થિતિમાં બાળકોને શાળા પ્રવેશ અપાવી આ ત્રિ-દિવસીય મહોત્સવનું સમાપન કરવામાં આવશે.

આ ત્રણેય દિવસ દરમિયાન જિલ્લાના વિવિધ ગામોમાં શિક્ષણનો માહોલ ઊભો કરી 100 ટકા નામાંકન થાય તે દિશામાં વહીવટી તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવશે.