Close

આણંદ જિલ્લામાં ૧૧ જૂનથી ધોરણ ૧૦ અને ૧૨ની ‘બેસ્ટ ઓફ ટુ’ પરીક્ષાનો પ્રારંભ

Publish Date : 11/06/2026

જિલ્લાના વિવિધ કેન્દ્રો પર ૬૯૦૦થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે: તંત્ર દ્વારા સુચારુ આયોજન

ઉનાળાની ગરમીને ધ્યાને રાખી આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ટીમો તૈનાત કરાશે

વિદ્યાર્થીઓની સુવિધા માટે એસ.ટી. બસ અને અવિરત વીજ પુરવઠા અંગે અપાઈ જરૂરી સૂચના

આણંદ, બુધવાર, આણંદ જિલ્લામાં આગામી તારીખ ૧૧ જૂન ૨૦૨૬ થી ૨૦ જૂન ૨૦૨૬ દરમિયાન યોજાનારી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની ‘બેસ્ટ ઓફ ટુ’ પરીક્ષાઓને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીએ આપેલી પરીક્ષાની આંકડાકીય વિગતો મુજબ, આણંદ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે કુલ ૦૬ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં ૧૬૩૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેવી જ રીતે, સામાન્ય પ્રવાહ માટે ૦૫ પરીક્ષા કેન્દ્રો ખાતે ૧૪૪૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ ૧૦ની પરીક્ષા માટે સૌથી વધુ ૧૨ કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જ્યાં ૩૮૮૦ જેટલા વિદ્યાર્થીઓ પોતાની કસોટી આપશે. આમ, સમગ્ર જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ના મળીને કુલ ૬૯૫૦ જેટલા વિદ્યાર્થીઓ આ શૈક્ષણિક અભિયાનમાં જોડાશે. આ તમામ પરીક્ષા કેન્દ્રો માત્ર આણંદ શહેર અને જિલ્લાના મુખ્ય મથકો ખાતે જ નિર્ધારિત કરવામાં આવ્યા છે.

પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે વિવિધ વિભાગોને કડક સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને ઉનાળાની પ્રખર ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગને તમામ કેન્દ્રો પર સજ્જ રહેવા જણાવાયું છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ગરમીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વિશેષ મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવશે જેથી કોઈપણ વિદ્યાર્થીની તબિયત લથડે તો તેને તાત્કાલિક સારવાર મળી રહે.

વધુમાં, પરીક્ષાના સમયગાળા દરમિયાન વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે MGVCLને અવિરત વીજ સેવા પૂરી પાડવા, વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં પરિવહનની સમસ્યા ન નડે તે હેતુથી એસ.ટી. ડેપો મેનેજરને વધારાની બસ વ્યવસ્થા અને સમયસરના પરિવહન માટે વિશેષ કાળજી રાખવા તાકીદ કરવામાં આવી છે.  જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરીક્ષાની પવિત્રતા જળવાય અને વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેનું સુદ્રઢ આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.