આણંદ જિલ્લામાં હથિયાર બંધી અને સભા સરઘસ બંધીનો હુકમ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

Publish Date : 06/11/2026

આ જાહેરનામું તા.૨૯ મી નવેમ્બર  ૨૦૨૬ સુધી અમલમાં રહેશે

આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લામાં આગામી તા.૨૪/૧૧/૨૦૨૬ ન રોજ દેવ દિવાળી અને ગુરુ નાનક જયંતિનો તહેવાર ઉજવવામાં આવનાર હોય તથા તા.૦૫/૧૧/૨૦૨૬ થી તા.૨૫/૧૧/૨૦૨૬ (દિન ૨૧) સુધીના સમયગાળા દરમિયાન ખંભાત શહેરના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે દિવાળીના  તહેવાર અનુસંધાને લોકમેળો ભરાનાર છે તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ નાના મોટા લોકમેળા યોજાનાર છે. જેથી આ તહેવાર અને લોકમેળાના સમયગાળા દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાહુલ ગમારા દ્વારા તેઓને મળેલ સત્તાની રૂઈએ સમગ્ર આણંદ જિલ્લામાં તા.૧૫/૧૧/૨૦૨૬ થી તા.૨૯/૧૧/૨૦૨૬ સુધી જિલ્લામાં કેટલાક કૃત્યો કરવાની મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

આ જાહેરનામા મુજબ જિલ્લામાં હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા શારીરિક ઈજા કરી શકાય તેવા કોઈપણ સાધનો સાથે રાખી ફરવા ઉપર, સક્ષમ અધિકારીની પરવાનગી વગર ચાર કરતાં વધુ માણસોએ એકત્ર થવા ઉપર અને ચાર કરતાં વધુ માણસોની સભા ભરવા કે બોલાવવા તથા સરઘસ કાઢવા સહિતના કૃત્યો કરવાની મનાઈ ફરમાવાઈ છે.

આ હુકમ સમગ્ર આણંદ જિલ્લાના રસ્તાઓ, ફૂટપાથ, ગલીઓ અને પેટા ગલીઓ તથા જાહેર મકાનો પર લાગુ પડશે. સરકારી નોકરી કે કામગીરીમાં ફરજ પર હોય તેવી વ્યક્તિઓ તેમજ અશક્ત લોકોને આ હુકમમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ જાહેરનામું તા.૧૫/૧૧/૨૦૨૬ થી તા.૨૯/૧૧/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.