Close

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન લાઉડસ્પીકરના ઉપયોગ અંગે જાહેરનામું પ્રસિદ્ધ

Publish Date : 13/04/2026

આચારસંહિતાના ભાગરૂપે લાઉડસ્પીકર વગાડવા અંગે પ્રતિબંધાત્મક આદેશો જાહેર

આણંદ, શુક્રવાર , રાજય ચુંટણી આયોગ ધ્વારા રાજયમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા પંચાયત/તાલુકા પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણીઓ તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજવાનું નિયત કરેલ છે. જે અન્વયે આણંદ જિલ્લામાં કરમસદ આણંદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૮ (આઠ) તાલુકા પંચાયતો (આણંદ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, ખંભાત, તારાપુર, આંકલાવ, સોજીત્રા) તથા ૬ (છ) નગરપાલિકાઓ (બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ, સોજીત્રા, તારાપુર)ની સામાન્ય ચુંટણી તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનાર છે. આ ચુંટણીની મત ગણતરી તા. ૨૮/૦૪/૨૦૨૬ ના રોજ થનાર છે તથા ત્યારબાદ ચુંટણી પ્રક્રિયા તા.૩૦/૦૪/૨૦૨૬ ના રોજ પુર્ણ થશે.

આણંદ જિલ્લામાં આ ચુંટણીના સરળ અને સફળ સંચાલન માટે તેમજ ચુંટણીના કાર્યક્રમ દરમ્યાન જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાઈ રહે તે હેતુસર આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂઈએ આણંદ જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં સમાવિષ્ટ વિસ્તારમાં આગામી તા.૧૫/૦૪/૨૦૨૬ સુધી રસ્તામાં અથવા રસ્તા નજીક અથવા સાર્વજનીક કે ખાનગી જગ્યાઓમાં ચૂંટણી પ્રચાર કે અન્ય હેતુ માટે જાહેરમાં લાઉડસ્પીકર વગાડવા માટેના આ જાહેરનામામાં દર્શાવેલ નિયમોનું પાલન કરવા હુકમ ફરમાવ્યો છે.

જાહેરનામામાં જણાવ્યા અનુસાર કોઈપણ વ્યકિત જાહેર કે ખાનગી જગ્યાઓમાં સક્ષમ અધિકારીશ્રીની પુર્વ પરવાનગી સિવાય જાહેરમાં લાઉડસ્પીકર વગાડી શકશે નહીં. તેમજ જાહેર સભાઓમાં સ્થિત અને ચાલુ વાહનો પરના લાઉડ સ્પીકરોનો ઉપયોગ કરી શકાશે નહી. તેમજ લાઉડસ્પીકર વગાડવા સક્ષમ અધિકારીશ્રી તરફથી પરવાનગી મળ્યેથી લાઉડસ્પીકર ફક્ત સવારના ૮-૦૦ કલાકથી રાત્રીના ૧૦-૦૦ કલાક સુધી જ જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકશાન ન થાય એવી રીતે વગાડવાનું રહેશે અને પરવાનગીની અન્ય શરતોનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

વધુમાં જણાવ્યા મુજબ ચુંટણીઓમાં હેતુસર લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી જિલ્લામાં સંબંધિત તાલુકામાં મામલતદારશ્રી નોઈઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ, ૨૦૦૦ના નિયમ-૩ને અનુરૂપ આપી શકશે. તેમજ લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી મળેલ હોય તેમ છતાં પરવાનગીના સ્થળ નજીક સરકારી કે અર્ધસરકારી કચેરીઓ, શૈક્ષણીક કે ધાર્મિક સંસ્થાઓ કે દવાખાના આવેલ હોય તો આવી કચેરીઓ, સંસ્થાઓની કામગીરીમાં કોઈપણ દખલગીરી ન થાય તે રીતે તદ્દન ધીમા અવાજથી વગાડવાના રહેશે.

જાહેરનામામાં જણાવ્યા અનુસાર યોગ્ય સત્તાધિકારીશ્રીની મંજુરીથી કાઢવામાં આવેલ સરઘસ કે મંડળીના સભ્યોએ જાહેર શાંતિ જોખમાય તેવું કોઈ વર્તન કરવા પર, તેમજ કોઈ ધર્મ, જાતિ, સંગઠન પ્રત્યે ધૃણા ફેલાય તેવા સુત્રો પોકરવા પર કે ભાષણો આપવા પર તથા યાતાયાત વ્યવસ્થાને કે જાહેર વ્યવસ્થાને અડચણરૂપ થાય તેવું કૃત્ય કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ હુકમ આણંદ જિલ્લામાં કરમસદ આણંદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૮ (આઠ) તાલુકા પંચાયતો (આણંદ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, ખંભાત, તારાપુર, આંકલાવ, સોજીત્રા) તથા ૬ (છ) નગરપાલિકાઓ (બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ, સોજીત્રા, તારાપુર)ની સામાન્ય ચુંટણી સમાવિષ્ટ વિસ્તારને લાગુ પડશે.

આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે. તેમજ આ હુકમ ફરજ પરના ચુંટણી અધિકારી, મદદનીશ ચુંટણી અધિકારી, નોડલ અધિકારી, પોલીસ અધિકારી, ચુંટણી પંચે અધિકૃત કરેલ અધિકારીશ્રીઓ/કર્મચારીઓ, સરકારી ફરજના ભાગરૂપે કાર્યવાહી કરતાં અધિકારીઓ અથવા તેઓને મદદ કરતી અધિકૃત એજન્સીને લાગુ પડશે નહી.