Close

આણંદ જિલ્લામાં વરસાદી પાણી ઓસરતા જનજીવન પૂર્વવત્: 07 માર્ગો વાહન વ્યવહાર માટે ખુલ્લા કરાયા

Publish Date : 28/07/2026

જિલ્લામાં હવે માત્ર 03  રસ્તાઓ બંધ

નાગરિકોને નિર્ધારિત ડાયવર્ઝનનો ઉપયોગ કરવા અનુરોધ

આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવતા વરસાદી પાણીના પ્રવાહમાં સતત વધારો થવાને કારણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં માર્ગ વ્યવહાર પર અસર પહોંચી હતી. પંચાયત અને સ્ટેટ વિભાગ હસ્તકના કુલ 10 રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે ગત દિવસોમાં વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી.

જોકે, ગઈકાલથી વરસાદે વિરામ લેતા અને રસ્તાઓ પરથી પાણી ઉતરી જતાં વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને આજથી 07 રસ્તાઓ વાહન વ્યવહાર માટે પુનઃ ખુલ્લા મૂકવામાં આવ્યા છે.

માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશભાઈ ગઢવીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલની સ્થિતિએ હવે માત્ર 03 રસ્તાઓ જ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યા છે. જેમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 02 રસ્તાઓ અને પંચાયત વિભાગ હસ્તકના 01 રસ્તો ગુડેલ-ખાખસર રોડનો સમાવેશ થાય છે. આ માર્ગો પર હજુ પણ પાણીનું ઓવરટોપિંગ થઈ રહ્યું હોવાથી સલામતીના કારણોસર તેને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ રસ્તાઓ ઉપરથી પાણી ઉતરતા જ આ માર્ગો પણ કાર્યરત કરવામાં આવશે.

રસ્તાઓ બંધ હોવાને કારણે ગ્રામીણ જનતાને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે. પંચાયત હસ્તકના રસ્તાઓમાં ખાસ કરીને ખાખસર ક્રોસિંગથી કાનાવાડા અને ઝીણજ-પાદરા રોડ હાલ બંધ છે. આ સંજોગોમાં ચાંગડા, કનેવાલ, ઝીણજ અને પાદરા ગામના રહીશો કનેવાલથી તારાપુર થઈને કાનાવાડા જઈ શકશે. તે જ રીતે, ઝીણજથી ખંભાત-રોહિણી થઈને કનેવાલ પહોંચી શકાશે. આ ઉપરાંત ગુડેલ-ખાખસર રોડ બંધ હોવાને કારણે ગુડેલ અને ખાખસરના નાગરિકો માટે રોહિણી-ખાખસર રોડનો વૈકલ્પિક ઉપયોગ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.