આણંદ જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં ૮,૭૨૫ કેસોનો સુખદ નિકાલ: રૂપિયા 5.88 કરોડ ઉપરાંતનું સેટલમેન્ટ કરાયું
Publish Date : 16/09/2026
રાષ્ટ્રીય લોક અદાલત: મોટર અકસ્માત વળતર અને ચેક રીટર્નના કેસોમાં પક્ષકારો વચ્ચે સંમતિ સાધવામાં સફળતા
મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી પ્રશાંત જૈનના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા અને તાલુકા કોર્ટમાં લોક અદાલત સંપન્ન
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
આણંદના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન શ્રી પ્રશાંત જૈનના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ લોક અદાલતમાં વિવિધ કેટેગરીના હજારો કેસોનો બંને પક્ષકારોની સહમતીથી નિકાલ કરવામાં આવ્યો છે.
લાંબા સમયથી ચાલતા વિવાદોનો અંત લાવી પક્ષકારોને ઝડપી અને સસ્તો ન્યાય અપાવવાના ઉમદા હેતુ સાથે આ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ લોક અદાલત દરમિયાન કુલ ૩૭,૨૫૩ જેટલા કેસો સમાધાન અર્થે રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી કુલ ૮,૭૨૫ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે.
આ નિકાલ થયેલા કેસોમાં મોટર અકસ્માત વળતરના ૭૪ કેસોનો સમાવેશ થાય છે, જેમાં કુલ ૪,૨૧,૩૭,૯૦૪ રૂપિયા જેટલી માતબર રકમનું વળતર મંજૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળના ચેક રીટર્નના ૪૩૬ કેસોમાં પક્ષકારો વચ્ચે સમાધાન સાધી કુલ ૧,૬૭,૬૨,૨૮૮ રૂપિયાના સેટલમેન્ટ સાથે કેસોનો સુખદ અંત લાવવામાં આવ્યો હતો.
લોક અદાલતમાં માત્ર કોર્ટમાં પડતર કેસો જ નહીં, પરંતુ અદાલતમાં દાખલ ન થયા હોય તેવા પ્રી-લિટીગેશન કેસો પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. બેંકો, ફાઈનાન્સ કંપનીઓ અને મોબાઈલ કંપનીઓના લેણાં અંગેના પ્રી-લિટીગેશનના ૮,૭૨૫ જેટલા કેસોમાં પક્ષકારો વચ્ચે સુખદ સમજૂતી સધાઈ હતી. આ સાથે જ ફોજદારી સમાધાન લાયક કેસો, લગ્ન સંબંધિત ફેમિલી વિવાદો, મહેસૂલી કેસો, મજૂર વિષયક તકરારો, દીવાની દાવાઓ તેમજ વીજળી અને પાણીના બિલોને લગતા પ્રશ્નોનું પણ સ્થળ પર નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
આ રાષ્ટ્રીય લોક અદાલતને સફળ બનાવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ શ્રી જી.ડી. પડીઆ દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્વે વીમા કંપનીના અધિકારીઓ, બેંક પ્રતિનિધિઓ, સરકારી વિભાગના અધિકારીઓ અને વિદ્વાન વકીલશ્રીઓ સાથે તબક્કાવાર બેઠકો યોજીને વધુમાં વધુ કેસોના નિકાલ માટે વ્યૂહરચના ઘડવામાં આવી હતી.
મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી પ્રશાંત જૈને આ કામગીરીમાં જોડાયેલા તમામ ન્યાયિક અધિકારીઓ, કર્મચારીઓ અને વકીલોની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, લોક અદાલત એ પક્ષકારો વચ્ચેના વેરઝેર મિટાવી સામાજિક સમરસતા સ્થાપવાનું શ્રેષ્ઠ માધ્યમ છે.