આણંદ જિલ્લામાં યોજાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષાને અનુલક્ષીને જાહેર કરાયેલ પ્રતિબંધો 18 માર્ચ સુધી અમલી રહેશે
Publish Date : 11/03/2026
આણંદ, મંગળવાર: આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ આગામી તા.૧૮/૦૩/૨૦૨૬ સુધી આણંદ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષાને ધ્યાને લઈને પરીક્ષાના દિવસ દરમિયાન કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.
આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષાના કેન્દ્રો પર સુચારૂ અને નિષ્પક્ષ સંચાલનમાં પરીક્ષા યોજાય તેમજ પરીક્ષા દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તા.૧૮/૦૩/૨૦૨૬ સુધી કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
જે અન્વયે પરીક્ષા કેન્દ્રોની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલ અધિકૃત વ્યકિત સિવાય અન્ય કોઇપણ બિનઅધિકૃત વ્યકિત તથા સંબંધિત પરીક્ષા કેન્દ્ર જે શાળામાં આવેલ હોય તે શાળાના સંચાલક મંડળના સભ્યશ્રીઓ કે હોદ્દેદારોને પરીક્ષા કેન્દ્રમાં કે કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં પરીક્ષાના દિવસે અને સમય દરમ્યાન પ્રવેશ કરી શકશે નહી.
આ જાહેરનામા મુજબ પરીક્ષાના દિવસ દરમિયાન સવારના ૦૯-૦૦ થી સાંજના ૧૮-૦૦ કલાક સુધી પરીક્ષા કેન્દ્રોની કમ્પાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરથી ૩૦૦ મીટરની ત્રિજયામાં આવેલ તમામ ઝેરોક્ષ મશીન, સાયબર કાફે, ફોટોકોપી સેન્ટર બંધ રાખવા તેમજ પરીક્ષાના કેન્દ્રોમાં પરીક્ષાર્થી તેમજ સરકારી પ્રતિનિધિ સિવાયના પરીક્ષા સાથે સંકળાયેલ કોઈ પણ કર્મચારી મોબાઇલ ફોન કે ઇલેકટ્રોનિક માધ્યમથી સંદેશાવ્યવહાર કે રેર્કોડીંગ થઇ શકે તેવા કોઇપણ પ્રકારના ઉપકરણો સાથે લઇ પરીક્ષા બિલ્ડિંગમાં પ્રવેશ ન કરવા ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયામાં જાહેરમાં લાઉડસ્પીકર કે મ્યુઝિક બેન્ડ કે ડી.જે.મ્યુઝિક સીસ્ટમ વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રાખવા પણ જણાવાયું છે.
વધુમાં પરીક્ષા કેન્દ્રોની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલ અધિકૃત વ્યકિત સિવાય અન્ય કોઈપણ બિન અધિકૃત વ્યકિત ચાર કરતાં વધારે માણસોના ભેગા થવા તથા ચાર કરતાં વધુ માણસોની કોઈ સભા ભરવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામું જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રોના વિસ્તારને લાગુ પડશે, તેમજ આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમ કાયદાની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.