આણંદ જિલ્લામાં “મિશન મધમાખી કાર્યક્રમ” હેઠળ ખેડૂતો, યુવાનો અને વિદ્યાર્થીઓ માટે મધમાખી ઉછેર તાલીમ માટે તા. ૦૪-૧૦-૨૦૨૬ સુધી અરજી કરો
Publish Date : 01/10/2026
આણંદ, બુધવાર, રાજ્ય સરકારના “મિશન મધમાખી કાર્યક્રમ” યોજના હેઠળ આણંદ જિલ્લામાં મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપવા તેમજ ખેડૂતો, યુવાનો અને વિદ્યાર્થીઓને રોજગારીલક્ષી કૌશલ્ય પ્રાપ્ત થાય તે હેતુથી ખાસ મધમાખી ઉછેર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
મધમાખી ઉછેર એ કૃષિ સાથે સંકળાયેલ એક અત્યંત મહત્વપૂર્ણ અને સશક્ત પૂરક વ્યવસાય છે. તેનાથી મધ, મીણ અને અન્ય મધમાખીજન્ય ઉત્પાદનોનું ઉત્પાદન વધે છે, સાથોસાથ પાકોમાં પરપરાગનયનની પ્રક્રિયા દ્વારા ખેત-ઉત્પાદકતામાં પણ નોંધપાત્ર વધારો થાય છે.
આણંદ જિલ્લાના ખેડૂત ભાઈઓ-બહેનો, વિદ્યાર્થીઓ તેમજ મધમાખી ઉછેરમાં રસ ધરાવતા તમામ ઇચ્છુક તાલીમાર્થીઓને આ તાલીમમાં જોડાવવા અનુરોધ કરવામાં આવે છે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના આધાર કાર્ડની નકલ સાથેની અરજી તા. ૦૪-૧૦-૨૦૨૬ સુધીમાં “નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નંબર ૪૨૭-૪૨૯, જિલ્લા સેવા સદન, ચોથો માળ, બોરસદ ચોકડીની બાજુમાં, આણંદ” ખાતે જમા કરાવવાની રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે કચેરીના ફોન નંબર ૦૨૬૯૨-૨૬૨૦૨૩ પર સંપર્ક કરી શકાશે.
આણંદ જિલ્લાના વધુમાં વધુ ખેડૂત ભાઈઓ-બહેનો, યુવાનો અને વિદ્યાર્થીઓ સમયમર્યાદામાં અરજી કરી આ રોજગારલક્ષી તાલીમનો મહત્તમ લાભ લે તેવી નાયબ બાગાયત નિયામકશ્રી, આણંદ દ્વારા અપીલ કરવામાં આવી છે.