Close

આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં તા. 01 ઓગસ્ટ, શનિવારે રજા જાહેર

Publish Date : 01/08/2026

હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાને રાખી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પ્રવીણ ચૌધરીએ વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે લીધો મહત્વનો નિર્ણય

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ : આંગણવાડીથી લઈને કોલેજો સુધીનું શૈક્ષણિક કાર્ય રહેશે બંધ

આણંદ, શુક્રવાર , ભારતીય હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત સહિત આણંદ જિલ્લામાં આગામી સમય માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી (રેડ એલર્ટ) આપવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલી તમામ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઈ.ટી.આઈ. તથા કોલેજોમાં તારીખ ૦૧/૦૮/૨૦૨૬, શનિવારના રોજ શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આણંદ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય સમગ્ર આણંદ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોને લાગુ પડશે.

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ જાહેરનામું અમલમાં મૂક્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જનજીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.

આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.