Close

આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે શુક્રવારે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર

Publish Date : 30/07/2026

હવામાન વિભાગની ‘રેડ એલર્ટ’ના પગલે આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શાળાઓ-કોલેજો બંધ રાખવા આદેશ

આણંદ કલેક્ટરનો મહત્વનો નિર્ણય: ૩૧મી જુલાઈએ આંગણવાડીથી લઈ કોલેજ સુધીનું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે

આણંદ, ગુરૂવાર, ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ ૩૧/૦૭/૨૦૨૬ થી ૦૧/૦૮/૨૦૨૬ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિ અને ‘રેડ એલર્ટ’ને ધ્યાને રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.

આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણ ચૌધરી (IAS) દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સમગ્ર જિલ્લામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા મુજબ, આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલી તમામ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ આઈ.ટી.આઈ. અને કોલેજોમાં તારીખ ૩૧/૦૭/૨૦૨૬, શુક્રવારના રોજ શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાનું ફરમાન કરવામાં આવ્યું છે. આ આદેશ સમગ્ર આણંદ જિલ્લાના હદ વિસ્તારમાં આવતા તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની તમામ શૈક્ષણિક સંસ્થાઓને એકસમાન રીતે લાગુ પડશે.

આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા આ હુકમનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો કોઈ વ્યક્તિ અથવા સંસ્થા આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરશે, તો તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.