Close

આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા

Publish Date : 23/02/2026

ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ તેમને મૂંજવતા વિવિધ પ્રશ્નો પૂછીને તેના ઉકેલ મેળવ્યા

આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓએ નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવ્યું

તજજ્ઞો સાથે વાત કરી ટેન્શન મૂકત બનતા બોર્ડના વિદ્યાર્થીઓ

આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે. જેમાં સમગ્ર જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ના કુલ 50,966 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.

જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને તેઓને કોઈપણ પ્રકારની મુંજવણ કે ટેન્શન હોય તો વિદ્યાર્થીઓ અથવા તેમના વાલીઓ તજજ્ઞ શિક્ષકોનો સંપર્ક કરી શકે તે માટે ગત દિવસોમાં વિવિધ તજજ્ઞોના મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા હતા.

ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ તજજ્ઞોનું માર્ગદર્શન મેળવી ટેન્શન મૂક્ત બની પરીક્ષાઓ આપી શકે તે માટે જાહેર કરવામાં આ નંબર ઉપર અત્યાર સુધીમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા 50 જેટલા ફોન કરવામાં આવ્યા હતા, અને તેમના દ્વારા રજુ કરવામાં આવેલ મુંજવણ પરત્વે તજજ્ઞો દ્વારા યોગ્ય માર્ગદર્શન પણ પુરૂ પાડવામાં આવ્યું હતુ.

આ પ્રશ્નો અંગેની વાત કરતા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા પ્રથમ વખત આપતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ તથા ધોરણ 12 ના વિદ્યાર્થીઓ દ્વારા અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, તેમાં ખાસ કરીને, ઓછા સમયમાં કેવી રીતે વધારે સારી મહેનત કરી શકાય ? વાંચવા માટેનો અનુકૂળ સમય કયો ? શિક્ષકો પેપર તપાસતી વખતે આખું પેપર ધ્યાનથી વાંચે કે  કી-વર્ડ પર વધારે ધ્યાન આપે ? સરળતાથી યાદ કેવી રીતે રાખી શકાય ? અંગ્રેજી વ્યાકરણમાં કેવી રીતે વધુ માર્ક ખેંચી શકાય ? કોઈ એક વિષયમાં નાપાસ થાય તો શું ? પરીક્ષામાં કેટલા માર્કસે પાસ થવાય ? વધુ સારી વ્યવસ્થિત પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી શકાય ? કેવી રીતે છેલ્લા સમયે વાંચન કરવું જોઈએ ? પરીક્ષાલક્ષી તૈયારી કરું છું પણ મને કશું યાદ રહેતું નથી તો શું કરવું જોઈએ ? કેવી રીતે વાંચન કરવાથી વધુ સારી રીતે યાદ રાખી શકાય અને ક્યારે વાંચવું જોઈએ ? વાંચવાનું શિડયુલ કેવી રીતે તૈયાર કરવું જોઈએ ? હું એવરેજ વિદ્યાર્થી છું માતા પિતા શ્રેષ્ઠ પરિણામ માંગે છે તો મારે શું કરવું ? ગોખણ પટ્ટીની આદત પડી ગઈ છે, વાંચીને યાદ રાખવાની સૌથી અસરકારક પદ્ધતિ કઈ ? પરીક્ષા નજીક આવે છે તેમ ઊંઘ વધારે આવે છે અભ્યાસમાં તકલીફ પડે છે તે માટેનું સોલ્યુશન શું છે ?

આ પ્રકારના વિવિધ પ્રશ્નો બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવ્યા હતા જેના સંતોષકારક જવાબ બાદ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ટેન્શન મૂક્ત બન્યા હતા.

આમ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે જે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે, તે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહયા છે, તેમ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડો. અર્ચનાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું.