આણંદ જિલ્લામાં તા. ૧૧, ૧૨ અને ૧૪ જૂનના રોજ યોજાશે ‘પ્રગતિપથ યાત્રા’
Publish Date : 11/06/2026
મંત્રીઓ અને મહાનુભાવો ‘પ્રગતિપથ યાત્રા’ માં જોડાઈને જિલ્લાના પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક સ્થળો સહિતના સ્થળોની મુલાકાત લેશે
‘પ્રગતિપથ યાત્રા’ અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાશે કાર્યક્રમો
ધાર્મિક સ્થળો અને વિકાસ પરિયોજનાઓની મુલાકાત સાથે પ્રભારી મંત્રીશ્રી અને અન્ય મંત્રીશ્રીઓ જનસંવાદ કરશે
આણંદ, બુધવાર : આણંદ જિલ્લામાં વિકાસને વેગ આપવા અને જન-જન સુધી સરકારી યોજનાઓ તથા પ્રગતિના કાર્યોની વિગતો પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આગામી આણંદ જિલ્લામાં તા. ૧૧, ૧૨ અને ૧૪ જૂનના રોજ ‘પ્રગતિપથ યાત્રા’ યોજાનાર છે.
આ યાત્રા જિલ્લાના વિવિધ છ તાલુકાઓ સોજીત્રા, આંકલાવ, બોરસદ, ખંભાત, પેટલાદ અને તારાપુરમાં પરિભ્રમણ કરશે. આ કાર્યક્રમમાં મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડા, સાંસદશ્રી અને સ્થાનિક ધારાસભ્યોની ગરિમામય હાજરીમાં વિકાસલક્ષી કાર્યોની મુલાકાત કરવામાં આવશે.
યાત્રાના પ્રથમ દિવસે એટલે કે તા.૧૧ જૂન ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સોજિત્રા તાલુકાના પીપળાવ ખાતે આશાપુરી માતાના મંદિરની મુલાકાત લેવામાં આવશે. જેમાં આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડા અને સોજિત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ સહિત તાલુકા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત રહેશે. આ જ દિવસે આંકલાવ તાલુકાના વરસડા તળાવ ખાતે આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ ખંભાત તાલુકાના ધુવારણ થર્મલ પાવર સ્ટેશન ખાતે ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. વિકાસ યાત્રાના બીજા દિવસે એટલે કે તા. ૧૨ જૂનના રોજ રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સહિતના મહાનુભાવો બોરસદ તાલુકાના બોચાસણ ખાતે પૂજ્ય રવિશંકર મહારાજની સમાધિ સ્થળની મુલાકાત લેશે. જ્યારે આ જ દિવસે પેટલાદ ખાતે સવારે ૦૯:૩૦ કલાકે રામનાથ મહાદેવના મંદિરે રાજ્ય કક્ષાના નાણાં, પોલીસ હાઉસિંગ અને સરહદી સુરક્ષા મંત્રી કમલેશભાઈ પટેલ પ્રજાલક્ષી સંવાદ કરશે.
યાત્રાના અંતિમ તબક્કે તા. ૧૪ જૂનના રોજ તારાપુર તાલુકામાં વિવિધ સ્થળોએ મહાનુભાવોની મુલાકાત યોજાશે. જેમાં તારાપુરના બુધેજ ખાતે આવેલા ભગવાન સ્વામીનારાયણના પૌરાણિક મંદિર તેમજ વલ્લી ગામના કનેલાવ ટાપુ તળાવ ખાતે સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલની અધ્યક્ષતામાં વિવિધ કાર્યક્રમો સંપન્ન થશે.
આણંદ જિલ્લામાં તા. ૧૧, ૧૨ અને ૧૪ જૂનના રોજ યોજાનાર આ ‘પ્રગતિપથ યાત્રા’ માં સબંધિત તાલુકાના પંચાયત પ્રમુખશ્રીઓ અને નગરપાલિકાના હોદ્દેદારો પણ સબંધિત સ્થળોની મુલાકાતમાં મહાનુભાવોની સાથે જોડાશે.