Close

આણંદ જિલ્લામાં જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) યોજના: પ્રથમ રાઉન્ડમાં શાળા ફાળવણી પ્રક્રિયા પૂર્ણ

Publish Date : 22/07/2026

આણંદ, મંગળવાર, શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે “જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) યોજના” અંતર્ગત કરાર આધારિત જગ્યાઓ ભરવા માટેની પ્રથમ રાઉન્ડની કામગીરી અંતર્ગત  ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફિકેશન (પ્રમાણપત્ર ચકાસણી) અને શાળા ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયાના અંતે શાળા વાઇઝ ફાળવવામાં આવેલ જગ્યાઓ તેમજ બાકી રહેલી ખાલી જગ્યાઓની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે.

​જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી કામેનીબેન ત્રિવેદીના સીધા માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કામગીરી પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી. માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયકની કુલ ૧૯૯ જગ્યાઓમાંથી ૧૩૧ જગ્યાઓ ભરાઈ છે, જ્યારે ૬૮ જગ્યાઓ હાલ ખાલી રહી છે. તદઉપરાંત, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કુલ ૨૪૬ જગ્યાઓ સામે ૭૯ જગ્યાઓ ભરાઈ છે અને ૧૬૭ જગ્યાઓ ખાલી રહી છે.

​શાળા ફાળવણી મેળવનાર તમામ ઉમેદવારોને નિયત સમયમર્યાદામાં સંબંધિત શાળામાં હાજર થવા માટે જણાવવામાં આવ્યું છે. પ્રથમ રાઉન્ડના અંતે ખાલી રહેલી જગ્યાઓ આગામી ટૂંક સમયમાં ભરવા માટે રાજ્ય સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.