Close

આણંદ જિલ્લામાં જમીન દફતર નિરીક્ષકની 09 નવી તાલુકા કક્ષાની કચેરીઓ કાર્યરત: લોકોને ઘરઆંગણે સેવા મળશે

Publish Date : 03/07/2026

વહીવટી વિકેન્દ્રીકરણ: આણંદના તમામ તાલુકાઓમાં આઈ.એલ.આર.ની કચેરીઓ નવા સરનામે શરૂ કરાઈ

મહેસૂલ વિભાગનો પ્રજાલક્ષી નિર્ણય: આણંદ જિલ્લાના નાગરિકો માટે જમીન દફતરની કામગીરી હવે વધુ સરળ બનશે

જિલ્લામાં તમામ તાલુકાઓમાં કચેરીઓનો પ્રારંભ

આણંદ, ગુરૂવાર,  આણંદ જિલ્લાના નાગરિકોની સુવિધામાં વધારો કરતા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ અને સેટલમેન્ટ કમિશનર તથા જમીન દફતર નિયામકના આદેશ અનુસાર, જિલ્લામાં જમીન દફતર નિરીક્ષક (ILR) વર્ગ-૨ સંવર્ગની ૦૯ નવી તાલુકા કક્ષાની કચેરીઓ નવા સરનામે કાર્યરત કરવામાં આવી છે.

વહીવટી તંત્રને વધુ સુદ્રઢ અને મજબૂત બનાવવાના હેતુથી જિલ્લા કક્ષાએ થતી જમીન દફતરની કામગીરીનું હવે તાલુકા સ્તરે વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે.

આ મહત્વપૂર્ણ નિર્ણયને કારણે સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ મુજબ ઉદભવતા પ્રશ્નોનું આયોજનબદ્ધ અને ઝડપથી નિરાકરણ આવશે. નાગરિકોને હવે જિલ્લા કક્ષાએ આવવાને બદલે તેમના રહેઠાણથી નજીક તાલુકા કક્ષાએ જ ત્વરિત સેવાઓ ઉપલબ્ધ થશે, જેનાથી સમય અને શક્તિનો બચાવ થશે.

આ નવી વ્યવસ્થા અંતર્ગત આણંદ શહેર ખાતે જમીન દફતર નિરીક્ષકની કચેરી પ્રથમ માળ અને ચોથા માળે જુના જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે, આણંદ ખાતે, આણંદ ગ્રામ્યની કચેરી જૂના જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી ખાતે રૂમ નંબર ૧૨૮ ખાતે, ઉમરેઠની સીટી સર્વે કચેરી, નગરપાલિકાની સામે, કોર્ટ કમ્પાઉન્ડમાં ઉમરેઠ, બોરસદની કચેરી તાલુકા સેવા સદનના બીજા માળે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, આંકલાવમાં સીટી સર્વે કચેરી, કેશવપુરા દૂધ મંડળીની બાજુમાં, આણંદ- ઉમેટા રોડ આંકલાવ, પેટલાદમાં સાઈનાથ રોડ પરના તાલુકા સેવા સદનના બીજા માળે, સોજિત્રામાં પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સની બાજુમાં, ખંભાત તાલુકા માટે ત્રણ દરવાજા સ્થિત તાલુકા સેવા સદનના બીજા માળે અને તારાપુર તાલુકા માટે બસ સ્ટેન્ડ પાછળ, તળાવ સામે, સીટી સર્વે કચેરી નવા સરનામે જમીન દફતર નિરીક્ષકની કચેરીઓનો વિધિવત પ્રારંભ થયો છે.

આણંદ જિલ્લાના નાગરિકોને જમીન દફતર સંબંધિત કામગીરી માટે આ નવા નિયત થયેલા સ્થળો અને સરનામે સંપર્ક કરવા આણંદના સુપ્રિટેન્ડેન્ટ  કમ લેન્ડ રેકોર્ડ્સ કમ એકત્રીકરણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.