આણંદ જિલ્લામાં ગ્રામીણ વિકાસના પ્રકલ્પોની ભવ્ય સફળતા, 6194 લાભાર્થીઓના આવાસ નિર્માણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ
Publish Date : 11/06/2026
હજારો પરિવારોને મળ્યું પોતાનું ઘર અને મહિલાઓ બની આત્મનિર્ભર
પીએમ આવાસ અને સ્વચ્છ ભારત મિશન હેઠળ આણંદ જિલ્લામાં નોંધપાત્ર પ્રગતિ, 52 હજારથી વધુ મહિલાઓ બની ‘લખપતિ દીદી’
જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા સાત વર્ષ દરમિયાન કુલ 1,51,786 શૌચાલયોનું નિર્માણ
આણંદ જિલ્લાની કુલ 52,855 જેટલી મહિલાઓ લખપતિ દીદી યોજનાના માધ્યમથી આર્થિક રીતે બની સક્ષમ
આણંદ, બુધવાર, આણંદ જિલ્લામાં ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ
આણંદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.વી. દેસાઈ દ્વારા છેલ્લા 07 વર્ષના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ દ્વારા ગ્રામીણ ક્ષેત્રે વ્યાપક પરિવર્તન લાવવામાં આવ્યું છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક શ્રી જે.વી. દેસાઈના જણાવ્યા મુજબ આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન અને લખપતિ દીદી યોજના હેઠળ હજારો પરિવારો અને મહિલાઓના જીવનસ્તરમાં ગુણાત્મક સુધારો જોવા મળ્યો છે. વહીવટી તંત્રની સક્રિયતાને પરિણામે આ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં જિલ્લાએ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૬ હજારથી વધુ પરિવારોનું ગૃહપ્રવેશનું સ્વપ્ન સાકાર થયું છે. આણંદ જિલ્લાના તમામ તાલુકાઓના ગ્રામીણ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત છેલ્લા સાત વર્ષમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રહેઠાણની સુવિધા પૂરી પાડવાના લક્ષ્યાંક સાથે કુલ ૬,૮૫૪ લાભાર્થીઓના આવાસ મંજૂર કરવામાં આવ્યા હતા. તંત્રની સતત દેખરેખ અને ઝડપી કામગીરીને પરિણામે મંજૂર થયેલા આવાસો પૈકી અત્યાર સુધીમાં ૬,૧૯૪ લાભાર્થીઓના આવાસ નિર્માણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પાકા મકાનો મળવાને કારણે હજારો પરિવારોને સુરક્ષિત અને સુવિધાયુક્ત છત્ર પ્રાપ્ત થયું છે.
સ્વચ્છ ભારત મિશન અને લખપતિ દીદી યોજનાથી ગ્રામીણ સુખાકારી અને આર્થિક ઉત્થાન થકી
ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતાના સ્તરને ઊંચું લાવવા અને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવા માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત આણંદ જિલ્લામાં સઘન ઝુંબેશ ચલાવવામાં આવી છે. આ મિશન હેઠળ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં અત્યાર સુધીમાં કુલ ૧,૫૧,૭૮૬ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કામગીરી દ્વારા ગ્રામીણ જનજીવનમાં ગરિમાપૂર્ણ જીવનશૈલી અને સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિમાં મોટો વધારો થયો છે, જે જિલ્લાના સર્વગ્રાહી વિકાસમાં મહત્વનું પાસું સાબિત થયું છે.
લખપતિ દીદી યોજના દ્વારા મહિલાઓનું અભૂતપૂર્વ આર્થિક સશક્તિકરણ થયું છે. મહિલા સશક્તિકરણ અને આજીવિકા વધારવાના ક્ષેત્રમાં આણંદ જિલ્લાએ નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM) અંતર્ગત અમલી લખપતિ દીદી યોજના હેઠળ જિલ્લાની મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાના પ્રયાસો સફળ રહ્યા છે. આણંદ જિલ્લાની કુલ ૫૨,૮૮૫ જેટલી મહિલાઓ આ યોજનાના માધ્યમથી આર્થિક રીતે સક્ષમ બની છે અને તેમની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી વધુની રકમ સુધી પહોંચી છે. આ મહિલાઓ હવે ગૌરવભેર “લખપતિ દીદી” તરીકે ઓળખાઈ રહી છે, જે જિલ્લાના ગ્રામીણ અર્થતંત્રના મજબૂત બન્યા હોવાનો પુરાવો છે.