આણંદ જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ઉમંગભેર પ્રારંભ
Publish Date : 24/06/2026
વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ અને સકારાત્મક અભિગમ સાથે લક્ષ્ય નિર્ધારિત કરે તો સફળતા નિશ્ચિત છે: સંયુક્ત સચિવ, અંજના રાઠોડ
સરદાર પટેલ હાઇસ્કુલ ખેતીવાડી ખાતે ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓનું બહુમાન કરાયું
આણંદ, મંગળવાર, આણંદ જિલ્લામાં સમગ્ર રાજ્યની સાથે આજથી ત્રિ-દિવસીય ‘કન્યા કેળવણી મહોત્સવ’ અને ‘શાળા પ્રવેશોત્સવ’નો ઉત્સાહપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત સચિવ શ્રીમતી અંજના કે. રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં આણંદ તાલુકાની વાંસખિલિયા પ્રાથમિક શાળા, બી. એન. પટેલ હાઇસ્કુલ-નાવલી અને સરદાર પટેલ હાઇસ્કુલ-ખેતીવાડી ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઉત્સાહભેર આવકારી શિક્ષણના પવિત્ર ધામમાં પ્રવેશ અપાવ્યો હતો.
શાળા પ્રવેશોત્સવ પ્રસંગે સંબોધન કરતા સંયુક્ત સચિવ શ્રીમતી અંજના રાઠોડએ જણાવ્યું હતું કે શિક્ષણ એ માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નથી પરંતુ જીવન જીવવાની એક ઉમદા કળા છે. તેમણે વિદ્યાર્થીઓને જ્ઞાનનો મહત્તમ ઉપયોગ કરવા પ્રેરણા આપતા કહ્યું હતું કે જ્ઞાન વહેંચવાથી અને વાપરવાથી વધે છે. આજના ડિજિટલ યુગમાં તેમણે વિદ્યાર્થીઓને દિવસ દરમિયાન ઓછામાં ઓછો એક કલાક મોબાઈલ અને ઈન્ટરનેટથી દૂર રહી પોતાની આંતરિક સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અપીલ કરી હતી. જીવનમાં સુખની સાથે આનંદનું મહત્વ સમજાવતા તેમણે વિદ્યાર્થીઓને પોતાની ગમતી પ્રવૃત્તિઓને જીવનનો હિસ્સો બનાવવા અનુરોધ કર્યો હતો.
વિશેષ કરીને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા શ્રીમતી રાઠોડએ જણાવ્યું હતું કે ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીના જીવનનો ‘ગોલ્ડન પિરિયડ’ છે. વિદ્યાર્થીઓએ અત્યારથી જ પોતાની કારકિર્દીનું લક્ષ્ય નક્કી કરી સંપૂર્ણ સકારાત્મક અભિગમ અને ચોક્કસ પ્લાનિંગ સાથે આગળ વધવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો વિદ્યાર્થી આત્મવિશ્વાસ સાથે નવું શીખવાનો પ્રયત્ન કરશે તો તે ચોક્કસપણે જીવનમાં ઉચ્ચ પ્રગતિ સાધી શકશે. શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન પણ એટલું જ અનિવાર્ય હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ખેલ મહાકુંભમાં રાજ્ય અને જિલ્લા કક્ષાએ ઝળકેલા ખેલાડીઓ તેમજ શાળાના વિકાસમાં યોગદાન આપનાર દાતાશ્રીઓનું મહાનુભાવોના હસ્તે બહુમાન કરાયું હતું. પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે શાળાના પ્રાંગણમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો, વાલીઓ, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આણંદ જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ઉમંગભેર પ્રારંભ

આણંદ જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ઉમંગભેર પ્રારંભ

આણંદ જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ઉમંગભેર પ્રારંભ

આણંદ જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ઉમંગભેર પ્રારંભ

આણંદ જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ઉમંગભેર પ્રારંભ

આણંદ જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ઉમંગભેર પ્રારંભ