Close

આણંદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ

Publish Date : 23/06/2026

જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુતિ આંકલાવ, આણંદ અને બોરસદ તાલુકાની વિવિધ શાળાઓમાં ભૂલકાઓનું નામાંકન કરાવશે

ત્રણ દિવસીય અભિયાન હેઠળ બાલવાટિકાથી ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

છેવાડાના ગામો સુધી શિક્ષણની જ્યોત પહોંચાડવા વહીવટી તંત્રનો મક્કમ નિર્ધાર

આણંદ, સોમવાર, સમગ્ર રાજ્યની સાથોસાથ આણંદ જિલ્લામાં શિક્ષણના સ્તરને વધુ સુદ્રઢ બનાવવા અને બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ જગાડવા માટે આગામી તા. ૨૩, ૨૪ અને ૨૫ જૂન દરમિયાન ત્રિ-દિવસીય ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુતિ (IAS) ના સીધા માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સમગ્ર જિલ્લામાં ઉત્સાહભેર યોજાશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પાત્રતા ધરાવતા તમામ બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાનો અને ખાસ કરીને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.

આ મહોત્સવ અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પાયાના સ્તરથી લઈને માધ્યમિક સ્તર સુધીના વિદ્યાર્થીઓના નામાંકન પર વિશેષ ભાર મૂકવામાં આવશે, જેથી કોઈ પણ બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહી જાય.

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી આ ત્રિ-દિવસીય અભિયાનમાં આંકલાવ, આણંદ અને બોરસદ તાલુકાઓના વિવિધ ગામો ખાતે ઉપસ્થિત રહી બાળકોને શાળા પ્રવેશ આપશે. જેમાં પ્રથમ દિવસે આંકલાવ તાલુકાના આંકલાવ કુમાર શાળા, કોસીન્દ્રાની સાર્વજનિક હાઈસ્કૂલ અને જોષીકુવા ખાતે શ્રી યુ.કે. પટેલ વિદ્યામંદિર ખાતે, બીજા દિવસે આણંદ તાલુકામાં વલાસણ ગામની ઢેબાકુવા પ્રાથમિક શાળા, સંદેસરની શ્રી પ્રીતમ હાઇસ્કુલ અને ડી.એસ. પટેલ એન્ડ ટી.જે. ઈનામદાર હાઇસ્કુલ વલાસણ ખાતે, અને ત્રીજા દિવસે બોરસદ તાલુકામાં સવારે 8:00 કલાકે ઢૂંડા કુવા પ્રાથમિક શાળા, સવારે 10:00 કલાકે એચ. જે. પટેલ હાઇસ્કુલ -વહેરા અને બપોરે 12-00 કલાકે આર.બી. પટેલ હાઇસ્કુલ- કાવીઠા ખાતે હાજર રહી બાળકોને શાળા પ્રવેશ કરાવશે. શિક્ષણના આ મહાપર્વમાં માત્ર શાળા પ્રવેશોત્સવ જ નહીં પરંતુ ગુણવત્તાસભર શિક્ષણ અને સુવિધાઓની સમીક્ષા પણ કરવામાં આવશે, જેમાં બાલવાટિકાથી લઈને ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેવાડાના બાળકો સુધી શિક્ષણની જ્યોત પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ મહોત્સવ દ્વારા ગ્રામ્ય સ્તરે લોકભાગીદારી વધારીને શાળાઓમાં ૧૦૦ ટકા નોંધણી અને શૂન્ય ડ્રોપ-આઉટ રેટ હાંસલ કરવાની દિશામાં આણંદ જિલ્લા વહીવટી તંત્ર એક મક્કમ ડગલું ભરી રહ્યું છે, જે આગામી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયારૂપ સાબિત થશે.