આણંદ જિલ્લામાં ઉંદર પકડવાની ‘ગ્લુટ્રેપ’ ના વેચાણ પર પ્રતિબંધ
Publish Date : 08/07/2026
પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ આણંદમાં ગ્લુટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર રોક
ગ્લુટ્રેપનો ઉપયોગ કરનારા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે
આણંદ, મંગળવાર, આણંદ જિલ્લામાં ઉંદરોને પકડવા માટે વપરાતી ‘ગ્લુટ્રેપ’ (ચીકણી જાળ/સ્ટીકી ટ્રેપ) ના ઉત્પાદન, વેચાણ તેમજ ઉપયોગ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અને ચેરમેનશ્રી, જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, નામદાર ગુજરાત હાઈકોર્ટમાં થયેલ રિટ પિટિશન (PIL) સંદર્ભે ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ અને સંયુક્ત પશુપાલન નિયામકશ્રીના નોટિફિકેશનને આધારે આ નિર્ણય લેવાયો છે.
પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ, ૧૯૬૦ની કલમ ૧૧ મુજબ કોઈપણ પ્રાણીને બિનજરૂરી પીડા કે વેદના આપવી તે ગુનો બને છે, જે અંતર્ગત આણંદ જિલ્લામાં આ જોગવાઈનું ચુસ્તપણે અમલીકરણ કરવા જણાવવામાં આવ્યું છે.
ગ્લુટ્રેપ અથવા ગ્લુ-બોર્ડ એ એક અત્યંત ક્રૂર પદ્ધતિ છે, જેમાં ઉંદર જ્યારે ચીકણી સપાટી પર ફસાય છે ત્યારે તે પોતાની રીતે મુક્ત થઈ શકતો નથી. આ પ્રક્રિયામાં ઉંદર લાંબા સમય સુધી ગુંગળામણ, ભૂખમરો અને ડિહાઈડ્રેશન જેવી પીડાદાયક સ્થિતિનો સામનો કરે છે અને અંતે અત્યંત કરુણ રીતે મૃત્યુ પામે છે.
જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઉંદરોનું નિયંત્રણ જરૂરી છે, પરંતુ તેના માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ કાયદાકીય જોગવાઈઓનો ભંગ કરતી હોવી જોઈએ નહીં.
આથી, આણંદ જિલ્લામાં ગ્લુટ્રેપ વેચતા તમામ એકમો અને તેનો ઉપયોગ કરનારાઓને સૂચના આપવામાં આવે છે કે આ પદ્ધતિનો ત્યાગ કરવો. જો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા આ સૂચનાઓનો ભંગ કરતા જણાશે, તો તેમની સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.