Close

આણંદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવાનો સંકલ્પ: ૧૧૮૮ ટીમો ૨.૫૬ લાખ ઘરોમાં કરશે સઘન સર્વે

Publish Date : 05/06/2026

તા. ૮ જૂનથી આણંદમાં ‘રક્તપિત્ત કેસ ડિટેક્શન કેમ્પેઈન’નો પ્રારંભ: શંકાસ્પદ દર્દીઓની શોધ કરી તાત્કાલિક નિદાન અને સારવાર અપાશે

૧૦ દિવસીય ઝુંબેશ હેઠળ ઔદ્યોગિક એકમો, ઈંટોના ભઠ્ઠા અને શ્રમિક વસાહતોને પણ આવરી લેવાશે

સમયસર નિદાન અને MDT સારવાર દ્વારા રક્તપિત્તનું સંપૂર્ણ નિવારણ અને વિકૃતિ અટકાવવી શક્ય

આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લાને રક્તપિત્તની બિમારીમાંથી સંપૂર્ણપણે મુક્ત કરવાના ઉમદા હેતુ સાથે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આગામી તારીખ ૮ જૂન ૨૦૨૬ થી તા.૧૮ જૂન ૨૦૨૬ દરમિયાન વિશેષ ‘રક્તપિત્ત કેસ ડિટેક્શન કેમ્પેઈન’ (LCDC) હાથ ધરવામાં આવનાર છે. આ ૧૦ દિવસીય સઘન ઝુંબેશ અંતર્ગત જિલ્લાના આશરે ૨.૫૬ લાખ ઘરોમાં રૂબરૂ મુલાકાત લઈ સર્વેની કામગીરી કરવામાં આવશે. આ મહત્વાકાંક્ષી અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લા ટીબી વિભાગ દ્વારા ૧૧૮૮ જેટલી વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે, જેઓ જિલ્લાના ખૂણે ખૂણે પહોંચી રક્તપિત્તના સંભવિત દર્દીઓની ઓળખ કરશે.

આણંદ જિલ્લામાં પ્રતિ વર્ષ સરેરાશ ૫૪ થી ૯૦ જેટલા રક્તપિત્તના નવા દર્દીઓ નોંધાતા હોય છે. આ સ્થિતિને ધ્યાને રાખીને ચાલુ વર્ષે તા. ૮ મી જૂનથી શરૂ થનારા આ કેમ્પેઈન દરમિયાન લેપ્રોસીના વધુમાં વધુ દર્દીઓને વહેલી તકે શોધી કાઢી તેમને યોગ્ય તબીબી સારવાર પૂરી પાડવાનું આયોજન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જિલ્લા ક્ષય અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં રક્તપિત્તની બિમારીને નાબૂદ કરવા માટે સર્વેની આ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ રક્તપિત્ત એ માઈકોબેક્ટેરિયમ લેપ્રી નામના બેક્ટેરિયાથી થતો ચેપી રોગ છે, જે ખાસ કરીને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિઓમાં ૫ થી ૩૦ વર્ષની વય દરમિયાન થવાની શક્યતા વધુ રહેલી છે. આ બિમારીના મુખ્ય લક્ષણોમાં શરીર પર આછા ઝાંખા કે રતાશ પડતા ચાઠાં જોવા મળે છે, જેમાં સંવેદનાનો અભાવ હોય છે એટલે કે ત્યાં સ્પર્શ કે ટાંકણી ભોંકતા દુખાવો થતો નથી. આ ઉપરાંત હાથ-પગમાં બહેરાશ આવવી, અને જો સમયસર નિદાન ન થાય તો હાથ, પગ કે ચહેરા પર વિકૃતિ આવવી, આંગળીઓ વળી જવી કે આંખો પૂરી બંધ ન થવા જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે.

જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો. દિપક પરમારના જણાવ્યાનુસાર MDT (મલ્ટી ડ્રગ થેરાપી) સારવારથી રક્તપિત્ત ચોક્કસપણે અને સંપૂર્ણપણે મટી શકે છે અને તેનાથી આવતી શારીરિક વિકૃતિ અટકાવી શકાય છે. આ ઝુંબેશ દરમિયાન ૧૧૮૮ ટીમો દ્વારા માત્ર રહેણાંક વિસ્તારો જ નહીં, પરંતુ ફેક્ટરી વસાહતો, ઈંટોના ભઠ્ઠા, તમાકુની ખળીઓ, હોસ્ટેલો અને વૃદ્ધાશ્રમોને પણ આવરી લેવામાં આવશે. આ ટીમો દ્વારા મળી આવેલા શંકાસ્પદ ચિહ્નો ધરાવતી વ્યક્તિઓનું તબીબો દ્વારા ચોક્કસ નિદાન કરી તેમને તાત્કાલિક ધોરણે જરૂરી દવાઓ આપવાની કામગીરી સુનિશ્ચિત કરવામાં આવશે.