આણંદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવાના સંકલ્પ સાથે “સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન” (SLAC) ની સફળતાપૂર્વક ઉજવણી કરાઈ
Publish Date : 25/02/2026
આણંદ, બુધવાર: નેશનલ લેપ્રસી ઈરેડીકેશન પ્રોગ્રામ અંતર્ગત આણંદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવાના ઉમદા હેતુથી “Ending Stigma, Embracing Dignity” ના સૂત્ર સાથે ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન’ (SLAC) ની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા તા.૩૦/૦૧/૨૦૨૫ થી તા.૧૩/૦૨/૨૦૨૫ દરમિયાન સમગ્ર જિલ્લામાં વ્યાપક જનજાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રક્તપિત્ત અંગેની સાચી અને વૈજ્ઞાનિક જાણકારી લોકો સુધી પહોંચાડી નવા દર્દીઓની શોધ કરવી તથા સમાજમાંથી રક્તપિત્ત પ્રત્યેના ભેદભાવને દૂર કરવાનો છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પિયુષ પટેલ અને જિલ્લા ક્ષય/રક્તપિત્ત અધિકારી ડૉ. દિપક પરમારના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૫ દરમિયાન જિલ્લામાં રક્તપિત્તના કુલ ૩૭૦ કેસો નોંધાયા છે. આ તમામ દર્દીઓને જિલ્લા ક્ષય કેન્દ્ર-પેટલાદ દ્વારા સરકારી ગ્રાન્ટમાંથી વિનામૂલ્યે MDT દવાઓ, MCR શૂઝ, અલ્સર કીટ, કાંખઘોડી, વોકર અને પ્રેડનીસોલન કીટ જેવી સહાય પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, દર્દીઓ પૌષ્ટિક આહાર લઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા સારવાર દરમિયાન દર મહિને તબીબી સહાય પણ ચૂકવવામાં આવે છે.
ગુજરાતમાં સૌપ્રથમ વાર આણંદ જિલ્લામાં નેશનલ હ્યુમન રાઈટ કમિશન (દિલ્હી) દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. કમિશનની સૂચના મુજબ જિલ્લામાં ‘લેપ્રસી કો-ઓર્ડિનેશન કમિટી’ની રચના કરવામાં આવી છે, જે રક્તપિત્ત અસરગ્રસ્તોને વિવિધ સરકારી યોજનાઓના લાભો અપાવવા માટે કાર્યરત છે. જિલ્લા વહીવટી તંત્રની આ કામગીરીની રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા પણ વિશેષ પ્રશંસા કરવામાં આવી છે. આ જનજાગૃતિ અભિયાન અંતર્ગત સ્લમ વિસ્તારો, શાળાઓ, વૃદ્ધાશ્રમો, ચાઈલ્ડ હોમ અને ઈંટોના ભઠ્ઠા જેવા વિસ્તારોમાં ગ્રામસભાઓ અને ચર્ચાઓ દ્વારા લોકો સુધી સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.
આ દરમિયાન વિવિધ સરકારી વિભાગોના સંકલન દ્વારા રક્તપિત્ત લાભાર્થીઓને અનેકવિધ યોજનાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. જેમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ૦૯ લાભાર્થીઓને સંત સૂરદાસ યોજના હેઠળ માસિક ૧૦૦૦/- રૂપિયા પેન્શન અને ૧૪ લાભાર્થીઓને મફત મુસાફરી માટે ST બસ પાસ અપાયા છે, શિક્ષણ વિભાગ દ્વારા ૧ બાળ લાભાર્થીને ૧૮૦૦/– રૂપિયાની સ્કોલરશીપ, પુરવઠા વિભાગ દ્વારા ૭૨૬ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાહતદરે અનાજ, જિલ્લા આરોગ્ય શાખા દ્વારા ૯૧ લાભાર્થીઓને કુલ ૭,૧૦,૬૦૦/– રૂપિયાની તબીબી સહાય અને સિવિલ હોસ્પિટલ પેટલાદ દ્વારા ડિફોર્મિટી કેમ્પ યોજી ૭૫ દર્દીઓને ડિસેબિલિટી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા છે. આમ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રક્તપિત્ત મુક્ત આણંદના ધ્યેયને સાકાર કરવા માટે સતત પ્રયાસો ચાલુ રહેશે તેમ જિલ્લા ક્ષય અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

આણંદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવાના સંકલ્પ સાથે “સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન” (SLAC) ની સફળતાપૂર્વક ઉજવણી કરાઈ

આણંદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવાના સંકલ્પ સાથે “સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન” (SLAC) ની સફળતાપૂર્વક ઉજવણી કરાઈ

આણંદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવાના સંકલ્પ સાથે “સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન” (SLAC) ની સફળતાપૂર્વક ઉજવણી કરાઈ