Close

આણંદ જિલ્લાની તમામ સરકારી કચેરીઓની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

Publish Date : 25/09/2026

એજન્ટો દ્વારા નાગરિકોની છેતરપિંડી રોકવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું: ઉલ્લંઘન કરનાર સામે થશે કડક કાર્યવાહી

તા. ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ સુધી આ જાહેરનામું અમલમાં રહેશે

આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લામાં આવેલી સરકારી કચેરીઓમાં કામકાજ અર્થે આવતા અરજદારોને છેતરાતા બચાવવા અને વચેટીયાઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાહુલ ગમારા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૪) હેઠળ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર જિલ્લાની તમામ સરકારી કચેરીઓના મુખ્ય દરવાજાની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં બિન-અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ અને ઉભા રહેવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.

આણંદ જિલ્લાની સરકારી કચેરીઓના કાર્યક્ષેત્રમાં સક્રિય બિન-અધિકૃત એજન્ટો અને વચેટીયાઓની ટોળકીઓ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી રહી છે. આ તત્વો કચેરીમાં પ્રવેશતા અરજદારોને કામ કરાવી આપવાની લાલચ આપી, તેમને ગેરમાર્ગે દોરીને પાયાવિહોણી વાતોમાં ભોળવી લેતા હોય છે. વચેટીયા તરીકે કામ કરવાના બહાને લોકો પાસેથી નાણાં પડાવી છેતરપિંડી કરવાના કિસ્સાઓ રોકવા અને જાહેર જનતાના હિતનું રક્ષણ કરવા માટે  બિન-અધિકૃત વ્યક્તિઓની અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર, આ પ્રતિબંધિત આદેશ આગામી તા. ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ સુધી સમગ્ર આણંદ જિલ્લામાં અમલી રહેશે.

આ સમયગાળા દરમિયાન જે વ્યક્તિઓ વાજબી સરકારી કામ માટે આવ્યા હોય અથવા જે-તે કચેરીના કર્મચારી હોય તે સિવાયના કોઈપણ બિન-અધિકૃત ઈસમોએ સરકારી કચેરીના મુખ્ય ગેટની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ઉભા રહેવું નહીં કે કચેરીમાં પ્રવેશ કરવો નહીં. આ આદેશનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.