Close

આણંદ જિલ્લાની આંગણવાડીઓમાં ભૂલકાઓના સર્વાંગી વિકાસ માટે નવતર પ્રયોગોનો પ્રારંભ

Publish Date : 05/09/2026

આંગણવાડીના બાળકોએ રમત-ગમત અને કલાત્મક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ મેળવ્યું

શારીરિક કસરત અને સર્જનાત્મક કળાના સંગમથી આણંદની આંગણવાડીઓ ધમધમી ઉઠી

પારંપરિક શિક્ષણની સાથે બાળકોમાં કૌશલ્ય વર્ધનનો ઉમદા અભિગમ

આણંદ, ગુરૂવાર, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં કાર્યરત આંગણવાડી કેન્દ્રો પર બાળકોના શારીરિક અને માનસિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. નાના ભૂલકાઓમાં શિક્ષણ પ્રત્યે રુચિ જાગે અને તેઓ ઉત્સાહપૂર્વક કેન્દ્ર પર આવે તે હેતુથી આ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે.  તે મુજબ આંગણવાડીમાં આવતા બાળકોને સૌપ્રથમ હળવી કસરત કરાવવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા અને તેમને દિવસભર સ્ફૂર્તિલા રાખવાનો છે.

બાળકોમાં આત્મવિશ્વાસ વધારવા અને તેમને સામાજિક રીતે સક્રિય કરવા માટે એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. આંગણવાડી કાર્યકરો દ્વારા ચાર્ટ પેપર પર બાળકોના ફોટા લગાવવામાં આવ્યા હતા, જેમાં બાળકોએ પોતાના ફોટાને જાતે જ ઓળખીને પોતાની હાજરી પૂરવાની પ્રવૃત્તિ કરી હતી. આ નવતર પદ્ધતિથી બાળકોમાં જોવાની અને સમજવાની શક્તિનો વિકાસ થાય છે તેમજ તેઓ પોતાના સહપાઠીઓ વિશે પણ માહિતગાર થાય છે. હાજરી પૂરવાની આ મનોરંજક પદ્ધતિ બાળકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે બાળકોની આંતરિક શક્તિઓને ખીલવવા માટે સર્જનાત્મક કળા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આંગણવાડીના બાળકોને કાગળ પર જલેબી જેવી આકૃતિઓ દોરાવવામાં આવી હતી, જે તેમના હાથના સ્નાયુઓના સંચાલન અને લેખન કૌશલ્યમાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત, હાથના પંજાની છાપ પાડીને તેમાંથી વિવિધ આકૃતિઓ બનાવડાવવાની પ્રવૃત્તિ પણ કરાવવામાં આવી હતી. આ પ્રકારના કલાત્મક પ્રયોગો દ્વારા બાળકોની કલ્પનાશક્તિ ખીલે છે અને તેઓ રમત-રમત સાથે નવીન આકારો અને રંગો વિશે જ્ઞાન મેળવે છે. આ સમગ્ર આયોજનથી આણંદ જિલ્લાની આંગણવાડીઓમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું છે તેમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી તેજલબેને જણાવ્યું છે.