આણંદ જિલ્લાના હલન-ચલનની અશક્તતા ધરાવતા દિવ્યાંગો માટે ૧૯ અને ૨૦ સપ્ટેમ્બરે નિઃશુલ્ક સાધન-સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન
Publish Date : 17/09/2026
મોટરાઈઝ્ડ ટ્રાઈસીકલ, જોયસ્ટીક વ્હિલચેર અને કુત્રિમ અંગોની સહાય માટે રાજ્ય સરકાર અને ગોકુલધામ નાર દ્વારા વિશેષ અભિયાન
બે દિવસીય કેમ્પમાં આણંદ જિલ્લાના તમામ તાલુકાઓના દિવ્યાંગોને આવરી લેવાશે
દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહી હાઈટેક પ્રોસ્થેટીક સાધનોનો લાભ મેળવવા વહીવટી તંત્રનો અનુરોધ
આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં હલન-ચલનની અશક્તતા ધરાવતા અસ્થિવિષયક દિવ્યાંગજનોને આધુનિક સહાયક ઉપકરણો પૂરા પાડી તેમને પગભર કરવાના ઉમદા હેતુથી એક વિશેષ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા નિયામક, સમાજ સુરક્ષા પ્રભાગના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ યોજાશે. આ માનવતાવાદી અભિગમમાં ભારત સરકારના જાહેર સાહસ એલિમ્કો (ALIMCO) અને પેટલાદ તાલુકાના નાર સ્થિત શ્રી નિત્યાનંદ સ્વામી એજ્યુકેશન ટ્રસ્ટ-ગોકુલધામનો મહત્વનો સહયોગ પ્રાપ્ત થયો છે. આ કેમ્પના માધ્યમથી પાત્રતા ધરાવતા દિવ્યાંગોને કુત્રિમ હાથ-પગ (હાઈટેક પ્રોસ્થેટીક), કેલીપર્સ, મોટરાઈઝ્ડ ટ્રાઈસીકલ અને જોયસ્ટીક વ્હિલચેર જેવા આધુનિક સાધનો વિનામૂલ્યે પૂરા પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ આયોજન અંતર્ગત આણંદ જિલ્લાના વિવિધ તાલુકાઓને બે દિવસીય કાર્યક્રમમાં વહેંચવામાં આવ્યા છે. આગામી તારીખ ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવારના રોજ આણંદ અને ઉમરેઠ તાલુકાના દિવ્યાંગજનો માટે વલ્લભ વિદ્યાનગરના બાકરોલ રોડ પર પતંજલિ વેલનેસ સેન્ટરની બાજુમાં આવેલ ખેડા જિલ્લા બાળ કલ્યાણ સંઘ સંચાલિત ‘ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ’ ખાતે એસેસમેન્ટ કેમ્પ યોજાશે. ત્યારબાદ બીજા દિવસે, તારીખ ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવારના રોજ સોજીત્રા, પેટલાદ, તારાપુર, ખંભાત, બોરસદ અને આંકલાવ તાલુકાના લાભાર્થીઓ માટે પેટલાદના નાર ગામે આવેલ શ્રી નિત્યાનંદ સ્વામી એજ્યુકેશન ટ્રસ્ટ, ગોકુલધામ ખાતે કેમ્પનું આયોજન કરાયું છે. બંને દિવસે કેમ્પનો સમય સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધીનો રહેશે.
કેમ્પમાં આવનારા દિવ્યાંગ લાભાર્થીઓએ જરૂરી દસ્તાવેજો સાથે લાવવા અનિવાર્ય છે. જેમાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અથવા યુડીઆઈડી (UDID) કાર્ડ, પાસપોર્ટ સાઈઝનો ફોટો, આવકનો દાખલો તેમજ આધાર કાર્ડની અસલ નકલ અને ઝેરોક્ષ નકલ સાથે રાખવાની રહેશે. આ કેમ્પમાં માત્ર પાત્રતા ધરાવતા દિવ્યાંગોનું નિષ્ણાતો દ્વારા એસેસમેન્ટ એટલે કે માપણી કરવામાં આવશે. ત્યારબાદ જરૂરી સાધનો ઉપલબ્ધ થયેથી લાભાર્થીઓનો સંપર્ક કરવામાં આવશે અને પાત્રતાના ધોરણે તમામ સહાયક ઉપકરણો સંપૂર્ણપણે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.
જિલ્લાના વધુમાં વધુ અસ્થિવિષયક દિવ્યાંગજનો આ તકનો લાભ લે અને સમયસર નિર્ધારિત સ્થળે પહોંચે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. આ કેમ્પ અંગે વધુ માહિતી કે પૂછપરછ માટે હેલ્પલાઇન નંબર (૦૨૬૯૨) ૨૫૩૨૧૦ અથવા ૨૫૦૯૧૦ પર સંપર્ક કરી શકાય છે. આ ઉપરાંત અન્ય મોબાઈલ નંબરો ૯૮૭૫૦૧૩૦૩૮ અને ૯૯૧૩૩૪૬૨૫૧ પર પણ જરૂરી જાણકારી મેળવી શકાશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના દિવ્યાંગજનોને આધુનિક ટેકનોલોજીના સાધનો પૂરા પાડી તેમની ગતિશીલતામાં વધારો કરી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે.