આણંદ જિલ્લાના માછીમારો અને મત્સ્યપાલકો જોગ
Publish Date : 22/05/2026
મત્સ્યોદ્યોગ ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા અનુરોધ
આણંદ, ગુરૂવાર , રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મત્સ્યોદ્યોગના વિકાસના હેતુ સહ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા માછીમારો, મત્સ્યપાલકો, વેપારીઓ તેમજ રસ ધરાવતા ઈસમો માટે વિવિધ કલ્યાણકારી અને પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
આણંદ જિલ્લામાં મત્સ્યખેડૂતો, ગામ તળાવ કે જળાશયોના ઈજારદારો, વેપારીઓ તેમજ પગડીઆ માછીમારો સરકારશ્રીની તમામ યોજનાઓનો મહત્તમ લાભ મેળવી આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરે તેવા આશયથી મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી (આણંદ) દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સરકારશ્રી દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ યોજનાઓ અંતર્ગત માછીમારો અને મત્સ્ય ઉછેરકોને વ્યવસાય લક્ષી અદ્યતન સાધનો અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. જેમાં મુખ્યત્વે પગડીયા સહાય, ઇન્સ્યુલેટેડ બોક્ષ સહાય, ઇનપુટ સહાય, મત્સ્યબીજ ઉછેર, જળાશયોમાં મત્સ્યબીજ સંગ્રહ, વ્યવસાયિક તાલીમ, ફિશ સીડ રીયરીંગ (નવી બાબત) તેમજ આધુનિક પદ્ધતિઓ જેવી કે બાયો ફ્લોકારી-સર્ક્યુલેટરી એકવા કલ્ચર સિસ્ટમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મત્સ્યપાલકોને સરળતાથી ધિરાણ મળી રહે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) અને NFDP રજીસ્ટ્રેશનની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ખાસ કરીને દરિયાકાંઠા અને અંતરિયાળ વિસ્તારોમાં ભાંભરા પાણીના વિકાસ માટે નવા તળાવોના બાંધકામ, ઝીંગા બીજ અને તેના ખોરાક માટે સબસીડી, પાકને પક્ષીઓ અને અન્ય પ્રાણીઓથી બચાવવા બર્ડ ફેન્સિંગ અને ડોગ ફેન્સિંગ સહાય, એરેટર સહાય, મિનરલ મિક્ષર અને પ્રો-બાયોટીક્સ, ઈન-બેઝ એરેટર તેમજ ઓટો ફિડર અને ભાંભરા પાણી લેવાના સંલગ્ન સાધનો માટે પણ સબસીડી આપવામાં આવી રહી છે. આ સાથે જ કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી ‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના’ (PMMSY) અંતર્ગત નવા તળાવ બાંધકામ, રેફ્રીજરેટર વાન, ઇંસ્યુલેટેડ વાન તથા આઇસબોક્ષ સાથેની મોટર સાયકલ જેવા આધુનિક પરિવહન ઘટકો માટે પણ સહાયની જોગવાઈ રાખવામાં આવી છે.
આણંદ જિલ્લાના જે માછીમારો કે મત્સ્ય પાલકો આ સરકારી યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા હોય, તેઓએ ગુજરાત સરકારના ઓનલાઈન પોર્ટલ https://ikhedut.gujarat.gov.in પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન તેમજ અરજી કરવાની રહેશે. આ યોજનાઓ અંગેની વધુ વિસ્તૃત માહિતી, માર્ગદર્શન અને જરૂરી આધાર-પુરાવાઓની વિગત મેળવવા માટે રસ ધરાવતા તમામ લાભાર્થીઓએ સરકારી કામકાજના દિવસો દરમિયાન અને કચેરી સમય દરમ્યાન જિટોડીયા રોડ પર બોરસદ ચોકડી પાસે આવેલ મદદનીશ મત્સ્યોધોગ નિયામકશ્રીની કચેરીનો રૂબરૂ સંપર્ક કરવા આણંદ જિલ્લા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી બી.પી.ઠક્કર દ્વારા એક યાદીમાં જણાવાયું છે.