આણંદ જિલ્લાના મતદારોને આપવામાં આવેલ ફોર્મ તા.૩૦ નવેમ્બર સુધીમાં જમા કરાવે: જિલ્લા ચુંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી
Publish Date : 01/12/2025
દરેક વિધાનસભા મત વિસ્તારમાં તા.૨૯ અને ૩૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ યોજાશે ખાસ કેમ્પ
મતદારો, જોજો તમારું નામ મતદાર યાદીમાં રહી ના જાય
મતદારોએ ફોર્મ પરત આપવા માટેની છેલ્લી તક
આણંદ, ગુરુવાર: ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત હાલમાં ગણતરીનો તબક્કો (Enumeration Phase) ચાલી રહ્યો છે.
આણંદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લાના મતદારોને ખાસ અપીલ કરતાં જણાવ્યું છે કે બાકી રહેલ મતદારોના ગણતરી ફોર્મ્સ ઝડપથી પરત લઇ શકાય તે માટે મતદાર/નાગરિકોની સુવિધા અર્થે આણંદ જિલ્લામાં દરેક વિધાનસભા મતવિભાગ વિસ્તારમાં તા.૨૯ અને ૩૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ખાસ કેમ્પ યોજવામાં આવશે. આ કેમ્પનો સમય તા.૨૯/૧૧/૨૦૨૫ (શનિવાર)ના રોજ બપોરે ૧૨ થી સાંજે ૫ વાગ્યા સુધીનો તથા તા.૩૦/૧૧/૨૦૨૫ (રવિવાર)ના રોજ સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધીનો રહેશે. મતદારો બે દિવસના કેમ્પના સ્થળે ફોર્મ જમા કરાવી શકશે.
શ્રી પ્રવીણ ચૌધરીએ વધુમાં જણાવ્યું કે આણંદ જિલ્લાના જે મતદારોના ગણતરી ફોર્મ્સ જમા કરાવવાના બાકી છે તેઓએ તા.૩૦/૧૧/૨૦૨૫ સુધીમાં સંબંધિત બીએલઓશ્રીને ફોર્મ જમા કરાવશે તો જ બી.એલ.ઓ. તા.૦૪/૧૨/૨૦૨૫ સુધીમા ગણતરી ફોર્મ્સની ડીજીટાઇઝેશનની પ્રક્રિયા સમય મર્યાદામાં પૂર્ણ કરી શકશે જે માટે દરેક મતદારોને સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.