આણંદ જિલ્લાના બાગાયત ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર નર્સરી સહાય યોજનાનો લાભ મેળવવા અરજી કરે

Publish Date : 15/10/2026

આણંદ જિલ્લામાં મોટી અને નાની નર્સરી બનાવવા માટે સરકાર દ્વારા ૨૪ લાખ સુધીની સહાય

તા. ૨૫ ઓક્ટોબર સુધી ઓનલાઇન અરજી કરી શકાશે,  આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધણી ફરજિયાત

આણંદ, બુધવાર, આણંદ જિલ્લામાં બાગાયત ખેતીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે બાગાયત વિભાગ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે સહાય યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર પુરસ્કૃત મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર (MIDH) અને નેશનલ હોર્ટિકલ્ચર મિશન (NHM) હેઠળ આણંદ જિલ્લાના બાગાયતી ખેતી કરતા અથવા કરવા માંગતા ખેડૂતો માટે મોટી અને નાની નર્સરી બનાવવાના ઘટકો માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. લાયક ખેડૂતો આગામી તા. ૨૫/૧૦/૨૦૨૬ સુધીમાં નિયત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે.

આ યોજના અંતર્ગત મોટી નર્સરી એટલે કે ૧ થી ૨ હેક્ટર વિસ્તાર માટે ખેડૂતોને કુલ ખર્ચના ૪૦ ટકા અથવા મહત્તમ ૨૪ લાખ રૂપિયા સુધીની મોટી સહાય મળવાપાત્ર રહેશે. તેવી જ રીતે, નાની નર્સરી એટલે કે ૦.૪ થી ૧ હેક્ટર વિસ્તાર માટે પણ ખર્ચના ૪૦ ટકા અથવા મહત્તમ ૮ લાખ રૂપિયાની મર્યાદામાં પ્રો-રેટા મુજબ સહાય આપવામાં આવશે.

ખાસ નોંધનીય છે કે અનુસૂચિત વિસ્તારોના કિસ્સામાં જમીન વિસ્તારની નીચલી મર્યાદા ૦.૫૦ હેક્ટર રાખવામાં આવી છે, જેમાં પણ નિયમાનુસાર પ્રો-રેટા મુજબ સહાયનો લાભ આપવામાં આવશે. આ સહાયથી જિલ્લાના ખેડૂતો ગુણવત્તાયુક્ત રોપા તૈયાર કરી આર્થિક સધ્ધરતા મેળવી શકશે. અરજી પ્રક્રિયા અને જરૂરી નિયમોની વિગત લાભ લેવા ઈચ્છતા આણંદ જિલ્લાના ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/site/krishivibhag) પર જઈને ઓનલાઇન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. નવીન આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર અરજી કરતા પહેલા દરેક ખેડૂતોએ પોતાની નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી બાદ જ ઓનલાઇન અરજી કરી શકાશે, જેમાં જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. ખેડૂતોએ અરજીની પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે. સરકારશ્રીના યોજનાકીય નિયમો અને ફાળવેલ લક્ષ્યાંકોની મર્યાદામાં જ ખેડૂતોની પસંદગી કરવામાં આવશે, તેમ નાયબ બાગાયત નિયામક આણંદ દ્વારા જણાવાયું છે.