Close

આણંદ જિલ્લાના બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડૂતો જોગ

Publish Date : 20/06/2026

નવીન સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા આઈ ખેડુત પોર્ટલ ૨.૦ પર તા. ૯ મી જુલાઈ સુધીમાં અરજી કરાશે

આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતાં અને ખેતી કરવા માંગતા જિલ્લાના તમામ ખેડૂતોને બાગાયત ખાતાની નવીન યોજનાઓ હેઠળ સહાય/લાભ મળી શકે તે માટે ચાલુ વર્ષ ર૦૨૬-૨૭ માટે આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.  ચાલુ વર્ષમાં ખેડૂતોને લાભાન્વિત કરવા અર્થે બાગાયત ખાતાની નવીનતમ યોજનાઓ અમલમાં આવી છે. જેમાં (૧) બહુસ્તરીય પધ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ, (૨) ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવતા યુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમમાં સહાય મળવાપાત્ર છે. આ યોજનાઓમાં લાભ લેવા માંગતા આણંદ જિલ્લાના ખેડૂતોએ I-khedut (https://ikhedut.gujarat.gov.in/site/krishivibhag) પોર્ટલ પર તા.૦૯/૦૭/૨૦૨૬ સુધીમાં અરજી કરવાની રહેશે.

આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ પર અરજી કરતા પહેલા ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે. તેમજ નવા નોંધણી થનાર ખેડૂતોએ પોતાનું આધાર ઓથેન્ટિકેશન ફરજીયાત કરવાનું રહેશે ત્યારબાદ લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ કલેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત અપલોડ કરવાના રહેશે.ત્યારબાદ આણંદમાં બોરસદ ચોકડી પાસે આવેલ જૂના જિલ્લા સેવાસદનના ચોથા માળે રૂમ નંબર ૪૨૭-૪૨૯ માં આવેલ નાયબ બાગાયત નિયમકશ્રીની કચેરી ખાતે રૂબરૂ કે ટપાલ દ્વારા પહોચાડવાની રહેશે. બાગાયત વિભાગની ઉક્ત યોજનામાં મહતમ ખેડૂતો અરજી કરી લાભ મેળવે તે બાબતે નાયબ બાગાયત નિયામકશ્રી, આણંદ દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.