Close

આણંદ જિલ્લાના બાગાયતી ખેડૂતો જોગ

Publish Date : 21/05/2026

આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નવીન સહાયલક્ષી યોજનાઓ માટે ફોર્મ ભરવાનું શરૂ કરાયુ

આગામી તા. ૧૯ /૦૬ /૨૦૨૬ સુધી નવીન સહાયલક્ષી યોજનાઓમાં અરજી કરી કરાશે

આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતાં અને કરવા માંગતા જિલ્લાના તમામ ખેડૂત મિત્રો માટે બાગાયત ખાતાની નવીન યોજનાઓ હેઠળ સહાય અને લાભ મેળવવા માટે ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત ‘આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦’ (I-khedut Portal) ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો આગામી તા. ૧૯/૦૬/૨૦૨૬ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે.

ચાલુ વર્ષે બાગાયત ખાતાની નવીનત્તમ ત્રણયોજનાઓ અમલમાં આવી છે. જેમાં ૧) બહુસ્તરીય પધ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ, ૨) રાઇઝોમેટીક (આદું, હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ અને ૩) ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવતાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ છે, આ તમામમાં સહાય મળવાપાત્ર છે.

આ યોજનાઓમાં લાભ લેવા માંગતા આણંદ જિલ્લાના ખેડૂતોએ આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ પર તા.૧૯/૦૬/૨૦૨૬ સુધીમાં અરજી કરવાની રહેશે. પોર્ટલ પર અરજી કરતા પહેલા ખેડૂતોએ નોંધણી (Registration) કરાવવી ફરજિયાત છે. તેમજ નવા નોંધણી થનાર ખેડૂતોએ પોતાનું સરકારી ઓળખ પત્ર (આધાર) દ્વારા ઓથેન્ટિકેશન ફરજીયાત કરવાનું રહેશે, ત્યારબાદ જ લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે.

ખેડૂતોએ પોર્ટલ પર અરજી કરતી વખતે માંગ્યા મુજબના જરૂરી તમામ કાગળો ઓનલાઈન અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. ત્યારબાદ તે અરજીની પ્રિન્ટ કાઢીને હાલ પોતાની પાસે જ રાખવાની રહેશે. અરજીની પૂર્વ મંજુરી મળ્યા બાદ, કલેઇમ સબમીટ કરતી વખતે આ પ્રિન્ટ પર સહી કરી, જરૂરી સાધનિક કાગળો સહિત તેને ફરીથી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે.

ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમામ જરૂરી દસ્તાવેજો સાથેની અરજી રૂબરૂ અથવા ટપાલ દ્વારા આણંદની બોરસદ ચોકડી પાસે સ્થિત જિલ્લા સેવા સદનના ચોથા માળે રૂમ નંબર ૪૨૭-૪૨૯માં આવેલ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીના સરનામે પહોંચાડવાની રહેશે. આણંદ જિલ્લાના મહત્તમ ખેડૂતો આ સહાયલક્ષી યોજનાઓમાં ઓનલાઈન અરજી કરી વધુમાં વધુ લાભ મેળવે તેવો અનુરોધ નાયબ બાગાયત નિયામકશ્રી, આણંદ દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ ખેડૂતો વધુ માહિતી માટે અધિકૃત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/site/krishivibhag ની મુલાકાત લઈ શકે છે તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, આણંદ દ્વારા એક યાદીમાં જણાવાયુ છે.