આણંદ જિલ્લાના બાગાયતી ખેડૂતો માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે આઈ-ખેડૂત (i-Khedut) પોર્ટલ ખુલ્લુ મુકાયુ

Publish Date : 17/10/2026

ઇચ્છુક ખેડૂતો તા.૩૦ ઓક્ટોબર સુધી આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર અરજીઓ કરી શકશે

આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતા તેમજ નવીન ખેતી કરવા ઈચ્છતા તમામ ખેડૂતોને સરકારશ્રીની બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે આઈ-ખેડૂત (i-Khedut) પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા જણાવાયું છે.

જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતા હેઠળની વિવિધ યોજનાઓ જેમ કે, બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ (તમામ જાતિના ખેડૂતો માટે), ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ (તમામ જાતિના ખેડૂતો માટે) તેમજ રાઈઝોમેટીક (આદુ, હળદર) પ્રોત્સાહન કરવાનો કાર્યક્રમ (ફક્ત અનુસૂચિત જાતિના ખેડૂતો માટે) જેવા ઘટકો માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે.

આ યોજનાઓનો લાભ લેવા માંગતા આણંદ જિલ્લાના ખેડૂતોએ આગામી તા.૩૦/૧૦/૨૦૨૬ સુધીમાં I-khedut પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/site/krishivibhag) પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

નવીન ‘આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦’ પર અરજી કરતા પહેલા ખેડૂતોએ નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી પૂર્ણ થયા બાદ જ વિવિધ યોજનાઓમાં લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે. અરજી કરતી વખતે માંગવામાં આવેલા જરૂરી આધાર-પુરાવા/કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. કન્ફર્મ થયેલી અરજીની પ્રિન્ટ કાઢીને ખેડૂતોએ પોતાની પાસે જ જાળવી રાખવાની રહેશે.

અરજી કર્યા બાદ સરકારશ્રીના યોજનાકીય નિયમો અનુસાર અને ફાળવેલ લક્ષ્યાંકની મર્યાદામાં પાત્રતા ધરાવતા ખેડૂતોને સહાયનો લાભ આપવામાં આવશે, જેની જિલ્લાના તમામ બાગાયતી ખેડૂતોએ ખાસ નોંધ લેવા નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા એક યાદીમાં જણાવાયુ છે.