આણંદ જિલ્લાના બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડૂતો  માટે આઈ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકાયુ

Publish Date : 05/10/2026

બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનામાં લાભ મેળવવા તા.૧૫ મી ઓકટોબર સુધીમાં અરજી કરવાની રહેશે

આણંદ, શનિવાર , આણંદ જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રીએ એક યાદિમાં જણાવ્યા અનુસાર  આણંદ જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતાં અને કરવા માંગતા જિલ્લાના તમામ ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ સહાય/લાભ મેળવવા માટે I-khedut પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યુ છે. જે અન્વયે વર્ષ:૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતાની રાજય પુરસ્કૃત વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેમાં તમામ જાતિના ખેડૂતો માટે બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્ર્મ અને ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ તથા માત્ર અનુસુચિત જાતીના ખેડૂતો માટે રાઈઝોમેટીક (આદુ, હળદર) પ્રોત્સાહન કરવાનો કાર્યક્રમ જેવા બાગાયતી ઘટકો હેઠળ ખેડૂતો સહાય મેળવી શકશે.

બાગાયત ખાતાની ઉક્ત યોજનાઓમાં લાભ લેવા માંગતા આણંદ જિલ્લાના ખેડૂતોએ તા. ૧૫/૧૦/૨૦૨૬ સુધીમાં I-khedut (https://ikhedut.gujarat.gov.in/site/krishivibhag) પોર્ટલ પર અરજી કરવાની રહેશે. નવીન આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ પર અરજી કરતા પહેલા ખેડૂતોએ ફરજિયાત નોંધણી કરવાની રહેશે અને ત્યારબાદ યોજનામાં લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે. વધુમાં અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી, અરજીની પ્રિન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે અને ત્યારબાદ જ તેઓની અરજીને સરકારના યોજનાકીય નિયમો અનુસાર તેમજ ફાળવેલ લક્ષ્યાંકોની મર્યાદામાં સહાય/લાભ આપવામાં આવશે તેમ આણંદના નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા યાદીમાં જણાવાયુ છે.