Close

આણંદ જિલ્લાના બાગાયતી ખેડૂતો માટે  નવી સહાયલક્ષી યોજનાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ

Publish Date : 10/07/2026

આઈ-ખેડૂત પોર્ટલ 2.0 ઉપર તા.૨૪ જુલાઈ સુધીમાં બાગાયતી યોજનાઓનો લાભ લેવા ખેડૂતોને અનુરોધ

આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લાના બાગાયતી ખેતી કરતા અને નવી ખેતી કરવા માંગતા ખેડૂતો માટે રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવીન સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત ખેડૂતો આગામી તા.૨૪/૦૭/૨૦૨૬ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ચાલુ વર્ષે અમલી બનાવવામાં આવેલી યોજનાઓમાં મુખ્યત્વે બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાના કાર્યક્રમ તેમજ ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાના કાર્યક્રમમાં સહાય આપવાનો છે.

આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા ઈચ્છતા આણંદ જિલ્લાના તમામ ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ (https://ikhedut.gujarat.gov.in/site/krishivibhag) પર નિયત સમયમર્યાદામાં પોતાની અરજી નોંધાવવાની રહેશે.

આ યોજનાકીય સહાય મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર અરજી કરતા પહેલા ખેડૂતોએ પોર્ટલ પર નોંધણી કરવી ફરજિયાત છે અને નવા નોંધણી થનાર ખેડૂતોએ પોતાનું આધાર ઓથેન્ટિકેશન કરાવવું પણ આવશ્યક રહેશે.

ઓનલાઇન અરજી કન્ફર્મ થયા બાદ તેની પ્રિન્ટ ખેડૂતે પોતાની પાસે રાખવાની રહેશે અને વહીવટી મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમિટ કરતી વખતે સહી કરેલી નકલ તથા જરૂરી તમામ સાધનિક કાગળો અપલોડ કરી તેની હાર્ડ કોપી નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નંબર ૪૨૭-૪૨૯, ચોથો માળ, જુના જિલ્લા સેવા સદન, આણંદ ખાતે રૂબરૂ અથવા ટપાલ દ્વારા મોકલી આપવાની રહેશે તેમ આણંદના નાયબ બાગાયત નિયામક દ્વારા  અનુરોધ કરવામાં આવ્યો છે.