Close

આણંદ જિલ્લાના પેન્શનરોએ 31 જુલાઈ 2026 સુધીમાં હયાતી કરાવવી

Publish Date : 02/05/2026

પોસ્ટ ઓફિસ મારફતે નિશુલ્ક ડિજિટલ હયાતીની પહેલ

પેન્શનર પોસ્ટમેનને બોલાવીને હયાતી કરાવી શકશે

રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોને તિજોરી કચેરી અથવા બેંકમાં જવાની જરૂર રહેશે નહીં

આણંદ, શુક્રવાર, રાજ્ય સરકારના તમામ પેન્શનરો માટે પોસ્ટ ઓફિસ મારફતે વિનામૂલ્યે ઘર બેઠા પોસ્ટમેન દ્વારા ડિજિટલ હયાતી કરાવવા અંગે ગત વર્ષે શરૂ કરેલ પહેલ મુજબ આ વર્ષે પણ તમામ પેન્શનરો ડિજિટલ હયાતી પોસ્ટ ઓફિસ મારફતે કરાવી શકશે.

આણંદ જિલ્લા તિજોરી કચેરી ખાતેથી પેન્શન મેળવતા આશરે 17800 જેટલા પેન્શનરોને આગામી તારીખ 31 જુલાઈ 2026 સુધીમાં હયાતી કરાવી લેવા જિલ્લા તિજોરી અધિકારીશ્રી એસ.બી. ડામોર દ્વારા જણાવવામાં આવ્યું છે.

શ્રી ડામોર એ વધુમાં જણાવ્યું કે પેન્શનર પોતાના ઘર આંગણે જ પોસ્ટમેન દ્વારા અથવા નજીકની પોસ્ટ ઓફિસમા ડિજિટલ હયાતી કરાવી શકશે. પોસ્ટ ઓફિસમાં ડિજિટલ હયાતી અંગે જે ખર્ચ થશે એ તમામ ખર્ચ રાજ્ય સરકાર ભાગવશે. જેથી રાજ્ય સરકારના પેન્શનરોએ આ સુવિધાનો કોઈ ચાર્જ આપવાનો નથી અને આ સુવિધા તદ્દન મફત છે.પોસ્ટ ઓફિસ મારફતે ડિજિટલ હયાતીની સુવિધા એ 100% પેપરલેસ પ્રક્રિયા છે. ડિજિટલ હયાતીનું પ્રમાણપત્ર તરત જ જારી થાય છે અને સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન છે. આધાર (બાયોમેટ્રિક) સ્કેન ફેસ વેરીફીકેશન દ્વારા ડિજિટલ હયાતી કરવામાં આવશે.

પોસ્ટ ઓફિસ દ્વારા જનરેટ થયેલા જીવન પ્રમાણનું પ્રમાણ આઈડી પેન્શનરના મોબાઇલ પર મેસેજ દ્વારા મોકલી આપવામાં આવે છે. જેની મદદથી પેન્શનર પોતાના મોબાઈલમાં ડિજિટલ હયાતીનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકે છે. પોસ્ટ ઓફિસ દ્વારા ડિજિટલ હયાતી થયા બાદ પ્રમાણપત્રની વિગતો આપમેળે જ જે તે તિજોરી કચેરીમાં સબમીટ થઈ જાય છે. જેથી પેન્શનરોએ આ બાબતે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી.

પોસ્ટ ઓફિસમાં ડિજિટલ હયાતી કરવાથી પેન્શનરોએ તેઓની બેંકમાં/તિજોરી કચેરીમાં જવાની જરૂરિયાત રહેતી નથી. આ સુવિધા ગુજરાત સરકારના તમામ પેન્શનરો માટે ઉપલબ્ધ છે.

આણંદ જિલ્લાના જે પેન્શનરોએ તેઓના આધાર નંબર અને મોબાઈલ નંબર તિજોરીમાં આપેલ અથવા અપડેટ કરાવેલ ના હોય તો માત્ર તેવા જ પેન્શનરો એ પોતાના આધાર કાર્ડની સ્વ-પ્રમાણિત નકલ અને મોબાઈલ નંબરની વિગતો આણંદ તિજોરી કચેરીએ અપડેટ કરાવવા માટે અનુરોધ છે. જે પેન્શનરોએ પહેલેથી જ આ વિગતો અપડેટ કરાવેલ હોય તેવા પેન્શનરોએ પુનઃ વિગતો આપવાની રહેતી નથી.

પોસ્ટ ઓફિસ મારફતે ડિજિટલ હયાતી કરાવવા માટે પીપીઓ બુક, આધારકાર્ડ, મોબાઇલ નંબર, બેંક ખાતાની વિગતો રજુ કરવાની રહેશે તેમ જિલ્લા તિજોરી અધિકારી શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.