આણંદ જિલ્લાના પાંચ તાલુકાઓમાં પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રોનો પ્રારંભ: ખેડૂતોને મળશે સીધું બજાર અને ગ્રાહકોને મળશે ગુણવત્તા યુક્ત પેદાશ
Publish Date : 17/07/2026
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા મહત્વનો નિર્ણય; આંકલાવ, બોરસદ, ઉમરેઠ, તારાપુર અને પેટલાદમાં વેચાણ કેન્દ્રો કાર્યરત
ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સેતુ સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે દર ગુરુવારે પ્રાકૃતિક ખેત ઉત્પાદનો મળશે
આણંદ, ગુરૂવાર, રાજ્ય સરકારના પ્રાકૃતિક ખેતીને વેગ આપવાના અભિગમને સાકાર કરવાના હેતુથી આણંદ જિલ્લામાં એક પહેલ કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ સફળતાપૂર્વક કાર્યરત વેચાણ કેન્દ્ર બાદ હવે છેવાડાના ખેડૂતો સુધી આ સુવિધા પહોંચાડવા માટે જિલ્લાના પાંચ તાલુકા મથકોએ પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રોનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવીન વ્યવસ્થા હેઠળ આંકલાવ, બોરસદ, ઉમરેઠ, તારાપુર અને પેટલાદ તાલુકાના ખેડૂતો હવે પોતાની જંતુનાશક અને રસાયણમુક્ત ખેત પેદાશો સીધી જ ગ્રાહકોને વેચી શકશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સ્થાનિક સ્તરે જ બજાર ઉપલબ્ધ કરાવવાનો અને સામાન્ય જનતાને શુદ્ધ તેમજ સાત્વિક ખેત પેદાશો સરળતાથી પૂરી પાડવાનો છે.
તાલુકા મથકોએ શરૂ કરવામાં આવેલા આ વેચાણ કેન્દ્રો અંતર્ગત આંકલાવ તાલુકા પંચાયત કચેરી ખાતે દર ગુરુવારે બપોરે ૩:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી, બોરસદમાં મદદનીશ ખેતી નિયામક કચેરીની બહાર અને ઉમરેઠમાં તાલુકા પંચાયત ભવન ખાતે, તારાપુરમાં એપીએમસી યાર્ડ ખાતે શોપ નંબર ૨ માં દર ગુરુવારે સવારના ૯:૩૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી, પેટલાદ તાલુકાના ગ્રાહકો માટે આંબેડકર ચોક પાસે, સેનિટરી રોડ પર આવેલા વૈભવ કોમ્પ્લેક્ષની સામે દર ગુરુવારે બપોરે ૩:૦૦ થી ૬:૦૦ દરમિયાન આ કેન્દ્ર કાર્યરત રહેશે અને ખેડૂતો પોતાની પેદાશોનું વેચાણ કરશે.
આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને જાગૃત નાગરિકોને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા અને પ્રાકૃતિક ખેતીના અભિયાનને વેગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આણંદ જિલ્લાના પાંચ તાલુકાઓમાં પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રોનો પ્રારંભ: ખેડૂતોને મળશે સીધું બજાર અને ગ્રાહકોને મળશે ગુણવત્તા યુક્ત પેદાશ

આણંદ જિલ્લાના પાંચ તાલુકાઓમાં પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રોનો પ્રારંભ: ખેડૂતોને મળશે સીધું બજાર અને ગ્રાહકોને મળશે ગુણવત્તા યુક્ત પેદાશ