આણંદ જિલ્લાના પશુપાલકોએ પોતાના પશુને ફરજિયાત છાયડા નીચે રાખવા પશુપાલન વિભાગના અધિકારીની અપીલ
Publish Date : 19/05/2026
આણંદ, સોમવાર, હાલમાં ચાલી રહેલ ઉનાળાની કાળઝાળ ગરમીમા રક્ષણ માટે માટે આણંદ જિલ્લાના પશુપાલકોએ પોતાના પશુને ફરજિયાત છાયડા નીચે રાખવા તથા તમામને શક્ય હોય ત્યાં સુધીમાં 24 કલાક પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવી, પતરા ના શેડ પર પૂળા કે પાતળી ઢાંકવી, લીલો ચારો આપવો, પશુને બપોર દરમ્યાન તડકામાં ચરવા માટે છોડવાથી બચવું. દુધાળા પશુમાં જ્યારે વધુ ગરમી પડે ત્યારે તેઓને હિટ સ્ટ્રોક ની સમસ્યા સર્જાઈ શકે છે. જેમાં મો માંથી લાળ પડવી, વધુ પડતું હાંફવું, દૂધ ઉત્પાદન ઘટી જવું, નબળાઈ આવવી જેવા લક્ષણો દેખાય છે, જો આ પ્રકારના લક્ષણો દેખાય તો તુરંત પશુ પક્ષીને છાંયડા વાળા વિસ્તારમાં ખસેડવા, ઠંડુ પાણી રેડવું, ઠંડુ પાણી પીવડાવવું અને વધુ સારવાર માટે નજીકના પશુ દવાખાના નો સંપર્ક કરવા પશુપાલન વિભાગના નાયબ નિયામકશ્રી ડો.મેહુલ પટેલ દ્વારા પશુપાલકો તથા જાહેર જનતા જોગ અપીલ કરવામાં આવી છે.
ડો.પટેલે વધુમાં જણાવ્યું કે એજ પ્રકારે પોલ્ટ્રી ફાર્મમાં પણ હિટ સ્ટ્રોકથી પક્ષીઓમાં મોટા પ્રમાણમાં મરણ જોવા મળે છે.
વધુમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા કુતરાં, બિલાડાં તથા પક્ષીઓ માટે જાહેર જગ્યા પર પીવાના પાણી માટે કુંડા ની વ્યવસ્થા કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં ગાય ભેંસ વર્ગના કુલ 6,97,000 પશુઓ તથા અન્ય મળી કુલ 8,32,000 જેટલા પશુઓ છે.