Close

આણંદ જિલ્લાના તારાપુર તાલુકાની તમામ આંગણવાડીઓમાં ભૂલકાંઓ માટે ‘ચિત્ર સ્પર્ધા’ યોજાઈ

Publish Date : 01/10/2026

બાળકોના સર્જનાત્મક અને માનસિક વિકાસને પ્રોત્સાહન આપવા તારાપુર તાલુકા આંગણવાડી ઘટક દ્વારા અનોખી પહેલ; ૩ થી ૬ વર્ષના હજારો ભૂલકાંઓએ ઉત્સાહભેર ભાગ લીધો

આણંદ, બુધવાર,  તારાપુર તાલુકાના આંગણવાડી કેન્દ્રોમાં ૩ થી ૬ વર્ષના નાનાં-નાનાં ભૂલકાંઓના સર્જનાત્મક અને બૌદ્ધિક વિકાસ થાય તે માટે  ‘ચિત્ર સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના માધ્યમથી બાળકોમાં નાનપણથી જ કલા, કલ્પનાશક્તિ અને આત્મવિશ્વાસનો સંચાર કરવામાં આવ્યો હતો.

તારાપુર તાલુકાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં એકસાથે યોજાયેલી આ સ્પર્ધામાં ૩ થી ૬ વર્ષની વયજૂથના ભૂલકાંઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નાના-નાના હાથોમાં મીણિયા કલર અને ચિત્રપોથી પકડીને બાળકોએ પોતાની કલ્પનાના રંગો કાગળ પર રેડ્યા હતા. કુદરતી દ્રશ્યો, પ્રાણીઓ, પક્ષીઓ અને વિવિધ આકારોમાં રંગો પૂરીને ભૂલકાંઓએ પોતાની અદ્ભુત કલાત્મકતા રજૂ કરી હતી.

બાળકો માત્ર ભણતર સુધી સીમિત ન રહેતાં તેમનો સર્વાંગી વિકાસ થાય તેવા અભિગમ સાથે કરવામાં આવેલા આ પ્રવૃત્તિઓથી બાળકોનો શાળા તરફનો લગાવ વધે છે અને તેમનો આત્મવિશ્વાસ ખીલે છે, તેમ બાળ વિકાસ યોજના અધિકારી શ્રી એ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તમામ બાળ-કલાકારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નાના બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે તારાપુર તાલુકા આંગણવાડી ઘટક દ્વારા લેવાયેલું આ પગલું બાળકોના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવશે.

આણંદ જિલ્લાના તારાપુર તાલુકાની તમામ આંગણવાડીઓમાં ભૂલકાંઓ માટે ‘ચિત્ર સ્પર્ધા’ યોજાઈ