Close

આણંદ જિલ્લાના ખેડૂતોને નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ – ઓઇલ પામ યોજના હેઠળ સહાય મેળવવા અનુરોધ

Publish Date : 20/07/2026

ખાદ્યતેલની આયાત ઘટાડવા અને ખેડૂતોની આવક વધારવા બાગાયત વિભાગનો નવતર પ્રયોગ

આણંદ, શનિવાર , ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોની આર્થિક ઉન્નતિ અને ખાદ્યતેલ ક્ષેત્રે આત્મનિર્ભરતા લાવવા માટે ‘નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ – ઓઇલ પામ (NMEO-OP)’ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ આણંદ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ યોજના અંતર્ગત ઓઇલ પામનું વાવેતર કરવા ઈચ્છતા ખેડૂતોને સરકાર તરફથી વિવિધ પ્રકારની સહાય આપવામાં આવે છે.

ઓઇલ પામ એ ખેડૂતોને ઊંચી અને ચોક્કસ આવક આપતો બાગાયતી પાક છે. આ પાકમાંથી મળતું પામોલિન તેલ ફરસાણ, પેકેજ્ડ ફૂડ અને વિવિધ ખાદ્ય ઉત્પાદનોમાં વ્યાપકપણે વપરાય છે. આ તેલની ખાસિયત એ છે કે તેનાથી બનેલી વાનગીઓ લાંબા સમય સુધી તાજી અને ગુણવત્તાસભર રહે છે. હાલ દેશમાં પામોલિન તેલની માંગ ખુબ જ વધારે હોવાથી મોટા પાયે આયાત કરવી પડે છે. આ આયાત ઘટાડવા અને સ્થાનિક સ્તરે ખેડૂતોની આવકમાં વધારો થાય તે હેતુથી ભારત સરકાર દ્વારા નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ – ઓઇલ પામ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજના હેઠળ ઓઇલ પામની ખેતી કરતા ખેડૂતોને નવા વાવેતર અને વ્યવસ્થાપન માટે વિવિધ પ્રકારની સહાય આપવામાં આવે છે. જેમાં પતંજલિ ફૂડ લિમિટેડ પાસેથી ખરીદવામાં આવતા રોપાઓના ખર્ચ માટે પ્રતિ હેક્ટર રૂ. ૨૯,૦૦૦/-, તેમજ આંતરપાક અને ઇનપુટ ખર્ચ માટે ચાર વર્ષ દરમિયાન કુલ રૂ. ૪૨,૦૦૦/- પ્રતિ હેક્ટર, ઉપરાંત, સિંચાઈની સગવડ માટે નવીન બોરવેલ, પંપસેટ તથા વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર માટે પ્રતિ એકમ રૂ. ૫૦,૦૦૦/- તેમજ ખેતી કાર્યોને સરળ બનાવવા ટ્રોલી સહિતના ૨૦ એચ.પી. સુધીના મિની ટ્રેક્ટર માટે રૂ. ૨,૦૦,૦૦૦/- સુધીની સહાય સહિતના વિવિધ ઘટકો હેઠળ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક ખેડૂતોએ વધુ વિગતો માટે પતંજલિ ફૂડ લિમિટેડના પ્રતિનિધિનો તેમના મોબાઇલ નંબર ૯૭૨૪૧૭૪૭૪૦ પર સંપર્ક કરવો. આ ઉપરાંત, ખેડૂતો આણંદની બોરસદ ચોકડી પાસે આવેલ જૂના જિલ્લા સેવા સદનના ચોથા માળે રૂમ નં. ૪૨૭–૪૨૯ ખાતે આવેલી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીની રૂબરૂ મુલાકાત લઈ શકે છે અથવા કચેરીના મોબાઇલ નંબર ૯૭૨૪૮૪૫૦૪૩ પર સંપર્ક કરીને જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે તેમ નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા એક યાદીમાં જણાવાયું છે.