આણંદ ખાતે શિક્ષક દિનની ઉજવણી
Publish Date : 07/09/2026
આણંદ ખાતે અન્ન અને પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો
જિલ્લા કક્ષાના અને તાલુકાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માનપત્ર આપી કરાયું બહુમાન
અન્ન અને પુરવઠા મંત્રીશ્રી રમણભાઇ સોલંકી
વિદ્યાર્થીઓમાં જે ઉણપ હોય તે દૂર કરવાની જવાબદારી શિક્ષકો નિભાવે તે જરૂરી
“શિક્ષક એ સમાજનો સૌથી વિશ્વાસપાત્ર ઘટક અને રાષ્ટ્રના શ્રેષ્ઠ ઘડતરનો મુખ્ય આધારસ્તંભ”
“વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવામાં શિક્ષકોની ભુમિકા મહત્વની”
“માનવજીવનના પ્રારંભિક તબક્કાના વિકાસની સીડી એટલે શિક્ષક”
“વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ આજે ભારતે વિશ્વમાં વિવિધ ક્ષેત્રમાં આગવુ સ્થાન મેળવ્યુ છે”
આણંદ, શનિવાર , દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં પ્રત્યેક વર્ષે તા.૫ મી સપ્ટેમ્બરના રોજ આવતા તેમના જન્મદિવસને સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શિક્ષકોના યોગદાનને સન્માનવાના હેતુથી શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવે છે. જે અન્વયે આજે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઇ સોલંકીના અધ્યક્ષસ્થાને અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિમાં બાકરોલ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર ખાતે શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ અને સમરસ વિદ્યાસેતુ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ સમાજજીવનમાં શિક્ષકોના અતુલ્ય યોગદાનને બિરદાવતા જણાવ્યું હતું કે, શિક્ષક એ સમાજનું સૌથી વધુ વિશ્વાસપાત્ર વ્યક્તિત્વ છે. બાળક પોતાના માતા-પિતા પછી જો કોઈના પર સૌથી વધુ વિશ્વાસ મૂકતું હોય તો તે શિક્ષક છે. મંત્રીશ્રીએ “આવનારો દેશ, રાજ્ય, જિલ્લો કે ગામ કેવું હશે તેનો આધાર શિક્ષક દ્વારા બાળકોના શ્રેષ્ઠ ઘડતર પર રહેલો છે. જ્યારે કોઈ શિક્ષક પોતાના નિર્ધારિત સમય સિવાય પણ શિક્ષણમાં પોતાનો આત્મા રેડીને સમર્પિત ભાવથી કામ કરે છે, ત્યારે તેનું કાર્ય સર્વશ્રેષ્ઠ બને છે અને એટલે જ શિક્ષકોને સમાજજીવનમાં અને ગ્રામીણ સ્તરે સૌથી વધુ માન-સન્માન મળે છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
મંત્રી શ્રી એ વિદ્યાર્થીઓમાં જે ઉણપ હોય તે દૂર કરવાની જવાબદારી શિક્ષકો નિભાવે તે ખૂબ જ જરૂરી છે તેમ જણાવી શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે જીવનમાં બદલાવ લાવવાની જવાબદારી નિભાવે અને સમાજ માટે ખૂબ સારું કામ શિક્ષકો કરે તે ખૂબ જ જરૂર છે તેમ જણાવી શિક્ષકોનું વિશેષ યોગદાન સમાજ જીવનમાં રહેલું છે તેમ ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ સોજિત્રા તાલુકાની ડાલી પ્રાથમિક શાળાની શ્રેષ્ઠ કામગીરી બદલ પસંદગી થવા પર આનંદ વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, આ સિદ્ધિ માત્ર એક વ્યક્તિની નથી પરંતુ આચાર્ય, શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) અને ગ્રામજનોના સામુહિક સહિયારા પ્રયાસોનું પરિણામ છે. જો મનમાં કંઈક શ્રેષ્ઠ કરવાનો દ્રઢ સંકલ્પ હોય તો ગમે તેવા પડકારો વચ્ચે પણ ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શકાય છે. મંત્રીશ્રીએ તાજેતરમાં બનેલી કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરી શિક્ષકની સમયસૂચકતા અને સતર્કતાનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે શિક્ષક એ સામાન્ય વ્યક્તિત્વ નથી પરંતુ વિષમ પરિસ્થિતિઓમાં પણ સમાજ અને બાળકોના ભવિષ્યને સુરક્ષિત રાખનાર કવચ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારતની પૌરાણિક સંસ્કૃતિ, સંસ્કાર અને ક્ષમતાને પુનઃ વિશ્વ મંચ પર ઉજાગર કરવાનું કામ થઈ રહ્યું છે. શાળા છોડી ગયેલા (ડ્રોપઆઉટ) બાળકોને પુનઃ શિક્ષણના પ્રવાહમાં લાવી તેમનું જીવન ઘડતર કરવામાં શિક્ષકોનું યોગદાન પ્રશંસનીય છે. શિક્ષકોએ સમાજ અને વાલીઓ સાથે સતત સંપર્ક અને ઉત્તમ ‘રેપો’ જાળવી રાખવો જોઈએ જેથી શાળા અને શિક્ષક બંનેની ગુડવિલ વધે. મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌ એવોર્ડ વિજેતા અને નિષ્ઠાવાન શિક્ષકોને શુભકામનાઓ પાઠવતા આહ્વાન કર્યું હતું કે, સમાજજીવનમાં આપણી પ્રાથમિક ફરજ દરેક બાળકનું ભવિષ્ય સુનિશ્ચિત કરવાની છે. શિક્ષક દ્વારા આપેલું સારું શિક્ષણ અને સંસ્કાર બાળકના સમગ્ર જીવન બદલવામાં મોટી ભૂમિકા ભજવે છે.
આ કાર્યક્રમમાં જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા આપીને આણંદ જિલ્લાનું ગૌરવ વધારનાર જિલ્લા કક્ષાના ૦૩ અને તાલુકા કક્ષાના ૦૫ શ્રેષ્ઠ શિક્ષકોનું મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કક્ષાએ પ્રાથમિક વિભાગમાં બોરસદ તાલુકાની પ્રાથમિક શાળા તોરણામતાના મદદનીશ શિક્ષકશ્રી લલિતકુમાર રમેશભાઈ ગોહેલ, માધ્યમિક વિભાગમાં આણંદ તાલુકાની એસ.ડી. દેસાઈ હાઈસ્કૂલના મદદનીશ શિક્ષકશ્રી નિતિનકુમાર વિનુભાઈ પટેલ અને સી.આર.સી. કેટેગરીમાં આણંદ તાલુકાની પ્રાથમિક શાળા જીટોડીયાના સી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી વસંત જેસંગભાઈ વાળંદ મળી કુલ ૦૩ શિક્ષકોને, જ્યારે તાલુકા કક્ષાએ પ્રાથમિક વિભાગમાં શ્રી હેતલકુમારી વિજયસિંહ ભાટી (દેણાપુરા પ્રાથમિક શાળા, અડાસ), શ્રી કિરીટભાઈ ડાહ્યાભાઈ ચૌહાણ (પ્રાથમિક કુમાર શાળા, સરસા), શ્રી નયનાબેન અમરસિંહ સોલંકી (પે સેન્ટર ગ્રુપ શાળા, પામોલ), શ્રી તેજલબેન કિરીટકુમાર સુથાર (કાસોર કુમાર પ્રાથમિક શાળા, કાસોર) અને શ્રી સ્મિતાબેન હરીશભાઈ પરમાર (દેવા પ્રાથમિક કન્યા શાળા, દેવા) મળી કુલ ૦૫ મદદનીશ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન શિક્ષણમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ જિલ્લાની બે શાળાઓને શ્રેષ્ઠ શાળા પારિતોષિક આપવામાં આવ્યા હતાં. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ શાળા છોડી ગયા હતા તેવું પરત ફર્યા છે તેમને પણ ચોપડાઓ આપીને જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાના બીઆરસી સીઆરસી અને તાલુકા શિક્ષણ અધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભમાં ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તેજેન્દ્રસિંહ સોલકીએ શાબ્દિક સ્વાગત પ્રવચન કર્યું હતું અને કાર્યક્રમના અંતે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કામિનિબેન ત્રિવેદીએ આભારવિધી કરી હતી.
આ પ્રસંગે આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડા, સાંસદશ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના કાર્યકારી અધ્યક્ષશ્રી જીલુભા સિંધા, ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતાબેન, નિવાસી અધિક કલેક્ટરશ્રી રાહુલ ગમારા, DIETના આચાર્યશ્રી સોનલબેન મેકવાન, બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર સંસ્થાના આચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીગણ, શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા તાલુકા શિક્ષણ અધિકારીઓ, જિલ્લાનાં વિવિધ વિસ્તારોની શાળામાંથી ઉપસ્થિત આચાર્ય અને શિક્ષણગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

આણંદ ખાતે શિક્ષક દિનની ઉજવણી

આણંદ ખાતે શિક્ષક દિનની ઉજવણી

આણંદ ખાતે શિક્ષક દિનની ઉજવણી

આણંદ ખાતે શિક્ષક દિનની ઉજવણી

આણંદ ખાતે શિક્ષક દિનની ઉજવણી

આણંદ ખાતે શિક્ષક દિનની ઉજવણી

આણંદ ખાતે શિક્ષક દિનની ઉજવણી

આણંદ ખાતે શિક્ષક દિનની ઉજવણી

આણંદ ખાતે શિક્ષક દિનની ઉજવણી

આણંદ ખાતે શિક્ષક દિનની ઉજવણી

આણંદ ખાતે શિક્ષક દિનની ઉજવણી

આણંદ ખાતે શિક્ષક દિનની ઉજવણી