Close

આણંદ ખાતે ‘વિકસિત ભારત યુવા નેતા સંવાદ-૨૦૨૭’ અંતર્ગત જીલ્લા કક્ષા યુવા ઉત્સવનું આયોજન

Publish Date : 28/09/2026

આણંદ જિલ્લાના ૧૫ થી ૨૯ વર્ષના યુવાનો માટે પ્રતિભા પ્રદર્શનની સુવર્ણ તક: વિજેતાઓ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે

સાંસ્કૃતિક અને ડિજિટલ એમ બે મુખ્ય ટ્રેક હેઠળ વિવિધ ૧૦થી વધુ સ્પર્ધાઓ યોજાશે

તા. ૯ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરાવી શકાશે

આણંદ, શુક્રવાર, ગાંધીનગરના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપક્રમે આણંદ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા ‘આણંદ જીલ્લા કક્ષા યુવા ઉત્સવ: વિકસિત ભારત યુવા નેતા સંવાદ-૨૦૨૭’નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના યુવક-યુવતીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને તેમના સપનાઓને સાકાર કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે આ મહોત્સવ હાથ ધરવામાં આવશે. આ સ્પર્ધામાં આણંદ જિલ્લાના ૧૫ થી ૨૯ વર્ષની વય મર્યાદા ધરાવતા, અભ્યાસ કરતા અથવા ન કરતા તમામ યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે.

આ યુવા ઉત્સવ અંતર્ગત રાષ્ટ્રીય યુવા ઉત્સવ  અને વિકસિત ભારત યુવા નેતા સંવાદ-૨૦૨૭ના માળખા હેઠળ મુખ્ય બે ટ્રેકમાં સ્પર્ધાઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ સાંસ્કૃતિક ટ્રેકમાં લોકનૃત્ય, લોકગીત, ચિત્રકામ, કવિતાલેખન અને નુક્કડ નાટક જેવી પરંપરાગત કળાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા વિભાગમાં વિકસિત ભારત ચેલેન્જ ટ્રેક હેઠળ આધુનિક વિષયો જેવા કે ડિજિટલ ક્વિઝ, ડિજિટલ નિબંધ લેખન, જિલ્લા કક્ષાની પીપીટી ચેમ્પિયનશિપ, સ્ટેટ VBYLD પીપીટી અને નેશનલ ડાયલોગ સ્તરની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાશે.

સ્પર્ધાના નિયમો મુજબ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિજેતા સ્પર્ધક અથવા ટીમને રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કલાકારોને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવશે, જે આણંદના યુવા કલાકારો માટે રાષ્ટ્રીય મંચ પર ચમકવાની અમૂલ્ય તક બની રહેશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ જરૂરી ફોર્મ અને વધુ માહિતી મેળવવા માટે મોબાઈલ નંબર 9714398777 પર સંપર્ક કરવાનો રહેશે. ભરેલા ફોર્મ આગામી તા. ૦૯/૧૦/૨૦૨૬ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જિલ્લા સેવા સદન (જુના), રૂમ નં – ૩૦૯, ત્રીજો માળ, બોરસદ ચોકડી પાસે, આણંદ ખાતે રૂબરૂ અથવા ટપાલ દ્વારા મોકલી આપવાના રહેશે.

જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા આણંદ જિલ્લાના મહત્તમ વિદ્યાર્થીઓ અને કલાકારોને આ યુવા ઉત્સવમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.