આણંદ ખાતે માટીના ગણપતિથી પર્યાવરણ સંરક્ષણની સાથે બહેનોને મળી રોજગારી
Publish Date : 16/09/2026
આસ્થા સખી મંડળની ૨૦થી વધુ બહેનો દ્વારા ૧૪ વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓનું કરવામાં આવે છે વેચાણ
આણંદ, સોમવાર, ગણેશોત્સવ માત્ર ભક્તિ અને શ્રદ્ધાનું પર્વ જ નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતું પર્વ પણ બની રહ્યું છે. પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વધતાં હવે લોકો પી.ઓ.પી.ની મૂર્તિઓની જગ્યાએ માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ તરફ વળી રહ્યા છે. આ દિશામાં આણંદના આસ્થા સખી મંડળ સાથે જોડાયેલી ૨૦થી વધુ બહેનો છેલ્લા ૧૪ વર્ષથી માટીના ગણપતિની મૂર્તિઓ બનાવી પર્યાવરણ સંરક્ષણની સાથે રોજગારીનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.
આ અંગે આણંદના ગામડીના કોમલબેન ચૌહાણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં માટીકામ બોર્ડમાંથી તાલીમ મેળવી હતી. ત્યારબાદ માટીમાંથી ગણપતિજીની મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતથી જ પર્યાવરણને નુકસાન ન થાય અને ગણેશજીની ભક્તિ સાથે પ્રકૃતિની પણ જાળવણી થાય તે હેતુથી માટીની મૂર્તિઓ બનાવવાનું કાર્ય શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, શરૂઆતના ૨-૩ વર્ષમાં જ લોકોને આ મૂર્તિઓ ગમવા લાગી અને સારો પ્રતિસાદ મળતા મૂર્તિઓનું વેચાણ પણ થવા લાગ્યું હતું. સમય જતાં લોકોમાં પર્યાવરણ અંગેની જાગૃતિ વધી અને માટીના ગણપતિની માંગમાં પણ વધારો થયો.
પી.ઓ.પી.ની મૂર્તિઓની સરખામણીમાં માટીની મૂર્તિઓ પર્યાવરણ માટે વધુ અનુકૂળ છે. પી.ઓ.પી.ની મૂર્તિઓ પાણીમાં સરળતાથી વિઘટિત થતી ન હોવાથી તેના વિસર્જન બાદ નદી, તળાવ અને અન્ય જળસ્ત્રોતોમાં પ્રદૂષણ ફેલાય છે. તેની અસર જળચર જીવો પર પણ થાય છે. જ્યારે કુદરતી માટીમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિ પાણીમાં ઝડપથી વિસર્જિત થઈ જાય છે.
માટીના ગણપતિને વધુ પર્યાવરણલક્ષી બનાવવાનો અનોખો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. મૂર્તિમાં પાછળથી વિવિધ છોડના બીજ મૂકવામાં આવે છે, જેથી ગણપતિજીના વિસર્જન બાદ તે માટીનો ઉપયોગ છોડ ઉગાડવા માટે થઈ શકે. આમ, ગણેશજીની મૂર્તિનું વિસર્જન થયા બાદ પણ તેમાંથી હરિયાળીનું સર્જન થઈ શકે છે. ભક્તિ સાથે પર્યાવરણ સંરક્ષણનો આ સંદેશ લોકોને પણ પ્રેરણા આપી રહ્યો છે.
આસ્થા સખી મંડળની બહેનો દ્વારા બનાવવામાં આવતી માટીની ગણેશજીની મૂર્તિઓને છેલ્લા કેટલાક વર્ષોથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા ચાર વર્ષથી વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે અને ચાલુ વર્ષે પણ મૂર્તિઓનું સારું વેચાણ થઈ રહ્યું હોવાનું કોમલબેન ચૌહાણે જણાવ્યું હતું. બહેનો પોતાના હસ્તકૌશલ્ય અને મહેનતથી વિવિધ આકાર અને સ્વરૂપમાં આકર્ષક ગણેશજીની મૂર્તિઓ તૈયાર કરી રહી છે.
આ કાર્યને પ્રોત્સાહન આપવા માટે માટીના ગણપતિના વેચાણ માટેની દુકાનનું વિદ્યાનગર રોડ ઉપર આવેલ વૃંદાવન ગ્રાઉન્ડમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રી દીપિકાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પર્યાવરણલક્ષી કામગીરીને રાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા મળી છે અને પ્રધાનમંત્રી તરફથી એવોર્ડ પ્રાપ્ત થયો હોવાનું કોમલબેન ચૌહાણે જણાવ્યું હતું.
માટીના ગણપતિની આ પહેલ મહિલા સશક્તિકરણ, સ્વરોજગાર અને પર્યાવરણ સંરક્ષણનો સુંદર સમન્વય રજૂ કરે છે. ગણેશોત્સવ દરમિયાન માટીની મૂર્તિની પસંદગી કરીને ભક્તિની સાથે નદી-તળાવ અને જળચર જીવોને પ્રદૂષણથી બચાવવાનો સંદેશ પણ સમાજ સુધી પહોંચાડી શકાય છે. આણંદના આસ્થા સખી મંડળની બહેનો દ્વારા કરવામાં આવતી આ કામગીરી ભક્તિ સાથે પર્યાવરણની રક્ષાના વિચારને સાકાર કરતી પ્રેરણાદાયી પહેલ બની રહી છે.

આણંદ ખાતે માટીના ગણપતિથી પર્યાવરણ સંરક્ષણની સાથે બહેનોને મળી રોજગારી

આણંદ ખાતે માટીના ગણપતિથી પર્યાવરણ સંરક્ષણની સાથે બહેનોને મળી રોજગારી

આણંદ ખાતે માટીના ગણપતિથી પર્યાવરણ સંરક્ષણની સાથે બહેનોને મળી રોજગારી