આણંદ ખાતે મધમાખી પાલન વિષય પર બે દિવસીય તાલીમ યોજાઈ

Publish Date : 12/10/2026

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લાના ૫૧ તાલીમાર્થીઓને આપવામાં આવ્યું માર્ગદર્શન

બાગાયત ખાતા દ્વારા જરૂરી સાધનો માટે ૫૫ થી ૭૫ ટકા સહાય આપવામાં આવે છે

આણંદ, શુક્રવાર , સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના મધમાખી પાલનમાં રસ ધરાવતા ૫૧ તાલીમાર્થીઓ માટે પેટલાદના ઇસરામા સ્થિત ‘સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ્સ ક્રોપ્સ’ ખાતે મધમાખી પાલન વિષય પર બે દિવસીય તાલીમ યોજવામાં આવી હતી.

આ તાલીમમાં મધમાખી પાલનનું મહત્વ, મધમાખીની જાતો, મધમાખી વસાહતની સંભાળ અને મધમાખી કોલોનીનુ નિરિક્ષણ, બોક્સની પસંદગી અને વ્યવસ્થાપન, રાણી મધમાખીનું મહત્વ તેમજ મધ અને અન્ય મધમાખી ઉત્પાદનોના ઉત્પાદન અને લણણી અંગે પ્રાયોગિક તથા સૈદ્ધાંતિક માહિતી આપવામાં આવી હતી.

 આ ઉપરાંત, તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને મધમાખી પાલન માટે જરૂરી સાધનો, રોગો અને જીવાતોનું નિયંત્રણ, મધમાખી વસાહતનું સ્થળાંતર, ઋતુ પ્રમાણે સંભાળ, મધનો સંગ્રહ અને બજારીકરણ અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે જ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ, ઓઇલ પામ, પ્રાકૃતિક ખેતી અને PMFME યોજના વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, બાગાયત ખાતા દ્વારા આપવામાં આવતી તાલીમ થકી આણંદ જિલ્લાના ૫૧ થી વધુ ખેડૂતો અને કુટુંબો મધમાખી પાલનનો વ્યવસાય અપનાવીને સારી આવક મેળવી રહ્યા છે. આ વ્યવસાય શરૂ કરવા માટે બાગાયત ખાતા દ્વારા સાધનો પર ખર્ચના ૫૫% થી ૭૫% સુધીની સહાય આપવામાં આવી છે.

આ તાલીમ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ.એસ.એસ.પીલ્લાઈ, આણંદ કૃષિ યુનિવર્સિટીના કીટકશાસ્ત્ર વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. નિકીતા ચૌધરી, સી.ઓ.ઈ. ઇસરામાના પ્રોજેક્ટ ઓફિસર શ્રી સી. કે. પટેલિયા તેમજ મધમાખી એક્સપર્ટ શ્રી અર્જુન પરમાર સહિત બાગાયત ખાતાના સ્ટાફગણ અને તાલીમાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હાતા.