આણંદ ખાતે ‘પ્રાકૃતિક કૃષિ’ અંગે પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમનો શુભારંભ
Publish Date : 30/09/2026
આણંદ અને મહેસાણા જિલ્લાના ૩૮ તાલીમાર્થીઓને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રોત્સાહિત કરાયા
આણંદ, મંગળવાર , આણંદ સ્થિત આણંદ કૃષિ યુનિવર્સિટીના બં.અ.કૃષિ મહાવિદ્યાલયના એગ્રોનોમી વિભાગ દ્વારા તા. ૦૨ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી યોજનાર પાંચ દિવસીય ‘પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ’નો કુલપતિ ડૉ.એમ.પી.પટેલના અધ્યક્ષસ્થાને શુભારંભ સમારોહ યોજાયો હતો.
આ તકે કુલપતિ ડૉ.એમ.પી.પટેલે ખેડૂતો સાથે વર્તમાન કૃષિ પરિસ્થિતિ વિશે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ખેતીમાં માત્ર પાકનું ઉત્પાદન જ નહીં પરંતુ પાકની ગુણવત્તા પણ એટલી જ મહત્વની છે. પશુપાલન ક્ષેત્રે મહિલાઓનું યોગદાન અગત્યનું હોવાથી પ્રાકૃતિક કૃષિમાં પણ બહેનો મુખ્ય ભૂમિકા ભજવી શકે છે તેવુ તેમણે ઉમેર્યુ હતુ. તેમજ પોતાના અનુભવો વિશે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે પ્રાકૃતિક કૃષિના સફળ પરિણામો માટે તેના તમામ આયામોનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. “પહેલું સુખ તે જાતે નર્યા”ની ઉક્તિને ટાંકીને તેમણે પ્રાકૃતિક ખેતીની સ્વાસ્થ્ય પર થતી સકારાત્મક અસરો દર્શાવી હતી અને તાલીમ મેળવ્યા બાદ દરેક ખેડૂત પોતાના ઘર પૂરતી તો પ્રાકૃતિક ખેતી ચોક્કસપણે અપનાવે તેવી અપીલ કરી હતી.
આ તકે સહસંશોધન નિયામક ડૉ.વી.જે.પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે હેતુથી ભારત સરકાર દ્વારા ‘નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ’ અમલી બનાવાયુ છે. તેમણે ગુજરાત સરકાર તેમજ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા થઈ રહેલા પ્રયાસોની વિગતે માહિતી આપી તાલીમાર્થીઓને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રોત્સાહન પૂરૂ પાડ્યુ હતુ. કાર્યક્રમના પ્રારંભમાં એગ્રોનોમી વિભાગના પ્રાધ્યાપક ડૉ.આર.એ.પટેલે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને તાલીમ સંયોજક ડૉ.પી.એમ.પટેલે આભારવિધિ કરી હતી.
આ તાલીમ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રાધ્યાપકગણ સહિત આણંદ અને મહેસાણા જિલ્લામાંથી પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતા કુલ ૩૮ જેટલા તાલીમાર્થીઓ જોડાયા હતા.

આણંદ ખાતે ‘પ્રાકૃતિક કૃષિ’ અંગે પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમનો શુભારંભ

આણંદ ખાતે ‘પ્રાકૃતિક કૃષિ’ અંગે પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમનો શુભારંભ

આણંદ ખાતે ‘પ્રાકૃતિક કૃષિ’ અંગે પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમનો શુભારંભ