આણંદ ખાતે નાબાર્ડ દ્વારા સ્વસહાય જૂથો માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો
આણંદ, સોમવાર, જિલ્લા પંચાયત આણંદ ખાતે નાબાર્ડ (NABARD) દ્વારા સ્વસહાય જૂથો (Self Help Groups – SHGs) અંગે એક દિવસીય સંવેદનશીલતા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નાબાર્ડના જિલ્લા વિકાસ મેનેજર શ્રી રાહુલ જેલુગાડેકરે સ્વસહાય જૂથોની રચના, વિકાસ, કાર્યપદ્ધતિ તથા ગ્રામીણ આર્થિક સશક્તિકરણમાં SHGsની મહત્વપૂર્ણ ભૂમિકા અને તેમની વિકાસની સંભાવનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે આણંદ ના લીડ બેંક મેનેજર ડૉ. જગદીશ પાટીલે સ્વસહાય જૂથોના ગ્રેડિંગ, રિન્યુઅલ (નવીનીકરણ) તથા નિયમિત મોનિટરિંગ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે SHGsની યોગ્ય ચકાસણી, ગ્રેડિંગના માપદંડો અને બેંકો દ્વારા સમયાંતરે કરવામાં આવતી દેખરેખના મહત્વ વિશે સમજણ આપી હતી.
આ તાલીમ કાર્યક્રમના માધ્યમથી બેંકર્સ, તાલુકા આજીવિકા મિશનના પ્રતિનિધિઓ અને ક્ષેત્રિય કર્મચારીઓમાં SHGs અંગેની સમજણ વધારવા તેમજ સ્વસહાય જૂથોને વધુ સક્ષમ બનાવી બેંક લિંકેજ અને નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દ્વારા સ્વસહાય જૂથોની કામગીરીને વધુ અસરકારક બનાવવા અને ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણને વધુ આગળ ધપાવવા માટે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક શ્રી જે.વી. દેસાઈ, વિવિધ બેંકોના બેંકર્સ, જિલ્લા અને તાલુકા આજીવિકા મિશનના પ્રતિનિધિઓ તેમજ ક્ષેત્રિય કક્ષાના કર્મચારીઓએ ભાગ લીધો હતો.

આણંદ ખાતે નાબાર્ડ દ્વારા સ્વસહાય જૂથો માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો