આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને PMFME યોજના અંતર્ગત બેઠક યોજાઈ
Publish Date : 13/02/2026
યોજના અંતર્ગત કુલ ૧૮ ઉદ્યોગ સાહસિકોના પ્રોજેક્ટને મંજુરી અપાઇ
આણંદ, ગુરૂવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદ કલેક્ટર કચેરી ખાતે Ministry of Food Processing Industries (MOFPI) અંતર્ગત ચાલતી પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ (PMFME) યોજના અંતર્ગત જિલ્લા લેવલ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આણંદ જિલ્લાના ૧૮ પ્રોજેક્ટને મંજુર કરવામાં આવ્યા હતા.
આ યોજના અંતર્ગત અનાજ પ્રોસેસિંગ (ઘઉં, ચોખા, કઠોળ, જુવાર, મકાઈ વગેરે), ડેરી પ્રોસેસિંગ, ફળો અને શાકભાજી પ્રોસેસિંગ, બેકરી અને મિષ્ઠાન ઉત્પાદનો, મસાલા અને રોપણી પાક પ્રોસેસિંગ, ચરબી અને તેલબીયા પ્રોસેસિંગ, માંસ અને મરીન ઉત્પાદનો પ્રોસેસિંગ, પશુ દાણ, મરઘા દાણ અને લઘુવન ઉત્પન્ન જેવા તમામ એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સનો સમાવેશ થાય છે. યોજનામાં ૩૫ ટકા અથવા વધુમાં વધુ રૂ. ૧૦ લાખ સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.
આ પ્રોજેક્ટ્સમાં ડિહાઈડ્રેશન ઓફ ફ્રુટ અને વેજીટેબલ્સ, એનિમલ ફિડ જેવા વિવિધ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લાના લાભાર્થીઓ તેમજ આણંદ જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ કરતા અથવા કરવા માંગતા લાભાર્થીઓને આ યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, નાયબ બાગાયત નિયામકશ્રી સ્મિતાબેન પિલ્લાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, ડી.આર.ડી.એ., લીડ બેંક મેનેજરશ્રી, જિલ્લા ઉધોગ કેંદ્રના પ્રતિનિધિ તેમજ સંલગ્ન ફાઈલના ડી.આર.પી અને લાભાર્થીઓ તથા મોટી સંખ્યામા સખીમંડળીના મહિલા લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
આ યોજનાનો લાભ લેવા માંગતા અને વધુ જાણકારી માટે આણંદ જિલ્લાના જૂના જિલ્લા સેવા સદનના ચોથા માળે, રૂમ નંબર ૪૨૭-૪૨૯ ખાતે આવેલ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીનો રૂબરૂ સંપર્ક કરવા અથવા કચેરીના ફોન નંબર ૦૨૬૯૨ ૨૬૨૦૨૩ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા એક યાદીમાં જણાવાયું છે.