• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ‘પ્રાકૃતિક કૃષિ’ તાલીમ કાર્યક્રમ યોજાયો

Publish Date : 16/09/2025

આણંદ,સોમવાર: આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ખેડૂતો માટેનો તાલીમ કાર્યક્રમ આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.

આ તાલીમમાં જુનાગઢ જિલ્લાના વડાલ ગામના અને અમદાવાદ જીલ્લાના બોપલ ગામના પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતા ૨૩ ભાઈઓ તથા ૧૪ મહિલાઓ મળી કુલ ૩૭ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

તાલીમ કાર્યક્રમમાં કુલપતિશ્રી ડૉ. કે. બી. કથીરીયાએ તાલીમાર્થીઓ સાથે સઘન ચર્ચા કરી હતી અને ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ બાબતે ખેડૂતોને માહિતગાર કર્યા હતા જેમાં ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે કરવામાં આવતા સઘન પ્રયત્નો વિષે પણ વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી.

 વધુમાં તેમણે ખેડૂતોમા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ વિસ્તરણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે અને યુનિવર્સીટી દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રાકૃતિક કૃષિના સંશોધન પ્રયોગોમાં મળેલ પરિણામો વિષે પણ ઉપસ્થિત ખેડૂતોને અવગત કરવામાં આવ્યા હતા. વધુમાં તેમણે પ્રાકૃતિક કૃષિને સફળ બનાવવા માટે પ્રાકૃતિક કૃષિના આયામોનો ઉપયોગ કરવો ખુબ જરુરી છે.

તાલીમ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો જીવામૃત, બીજામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણિઅર્ક અને આચ્છાદન વગેરેની પ્રાયોગીક તાલીમ તાલીમાર્થીઓને આપવામાં આવી હતી. સાથે–સાથે પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયનું મહત્વ તથા મિશ્ર/આંતરપાકોની અગત્યતા બાબતે ખેડૂતોને અવગત કરાવવામાં આવ્યા હતા.

વધુમાં નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતીમાં આવતી મુશ્કેલીઓ-સમાધાન-ઉકેલ વિષે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.જેથી ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી તરફનો અભિગમ વધે અને રસાયણમુક્ત અનાજ–શાકભાજી-ફળ વગેરે ઉત્પાદન કરી વધુ સારૂ વળતર મેળવી શકાય તે માટે સમજૂત કરવામાં આવ્યા હતા.

તાલીમાર્થીઓને પ્રાકૃતિક કૃષિ વિશે વધુ પ્રેરણાબળ મળી રહે તેવા ઉમદા હેતુથી તેઓને આણંદની આજુબાજુ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂત બોરીયાવિના દેવેશભાઈ પટેલ, ગીરી ફાર્મ નરસંડાના ઉમેશગીરી ગોસ્વામી અને સંજીવની ફાર્મના અરૂણભાઈ શાહ તેમજ એગ્રોનોમી વિભાગ દ્વારા ફાર્મ ઉપર લેવામાં આવેલ પ્રાકૃતિક કૃષિના સંશોધન અખતરાઓની પણ રૂબરૂ મુલાકાત કરાવવામાં આવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત તાલીમાર્થીઓને પ્રમાણપત્ર તથા કીટનું વિતરણ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કે. બી. કથીરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તાલીમ સંયોજક ડૉ. પી. એમ. પટેલ, ડૉ. જે. સી. શ્રોફ અને ડૉ. એ. પી. પટેલ સહિત ખેડૂતો વર્ગ ઉપસ્થિત રહ્યાં હતાં.