આણંદ એલસીબીમાંથી બદલી થતા વિદાય લઈ રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર બ્રહ્મભટ્ટની પર્યાવરણ બચાવવા અનોખી પહેલ
Publish Date : 08/04/2026
સરકારી અધિકારી કે પોલીસ અધિકારી કે કર્મચારીઓની બદલી થાય ત્યારે સાથી કર્મચારીઓ અને સ્ટાફ વિદાય લેતા અધિકારી કે કર્મચારીઓ પર ગુલાબનાં ફુલોની વર્ષા કરી ભાવભીની વિદાય આપતા હોય છે ત્યારે આણંદની લોકલ ક્રાઈમ બ્રાંચમાંથી બદલી થતા વિદાય લેતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર બ્રહ્મભટ્ટએ પુષ્પવર્ષાને બદલે સ્મૃતિ વૃક્ષારોપણ કરી અનોખી પ્રેરણા આપી છે.
આણંદ ટાઉન પોલીસ મથકમાં અને ત્યારબાદ લોકલ ક્રાઈમ બ્રાંચમાં પી.આઈ તરીકે ફરજ બજાવી જનતાનો પ્રેમ અને વિશ્વાસ સંપાદન કરનાર પોલીસ ઈન્સપેકટર એચ.આર. બ્રહ્મભટ્ટની અમદાવાદ સીટી ખાતે બદલી થતા તેઓનાં વિદાય સમયે તેઓએ સ્ટાફને પુષ્પવર્ષા કરવાનાં બદલે સ્મૃતિ વૃક્ષારોપણ કરવાની અનોખી પ્રેરણા આપી હતી.”સામાન્ય રીતે વિદાય સમયે ફૂલોની વર્ષા કરવામાં આવતી હોય છે. પરંતુ ફૂલો જે થોડા કલાકોમાં કરમાઈ જાય છે. તેના બદલે એક નવી અને ઉમદા પરંપરાની પહેલ કરતા એલસીબી કચેરીનાં પ્રાગણમાં પી.આઈ એચ.આર બ્રહ્મભટ્ટનાં હસ્તે આંબાનાં છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આ છોડનું જતન કરવાનો એલસીબી સ્ટાફએ સંકલ્પ કર્યો હતો.આ વૃક્ષને પી.આઈ. એચ આર બ્રહ્મભટ્ટની યાદમાં સ્મૃતિ વૃક્ષ તરીકે ઉછેરવામાં આવશે.તેમની વર્ષોની સેવાની યાદ હંમેશા આ કચેરીના આંગણમાં જીવંત રહે અને પર્યાવરણનું જતન થાય તે હેતુથી પી.આઈ એચ.આર બ્રહ્મભટ્ટનાં હસ્તે કચેરીના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વાવવામાં આવેલું આ વૃક્ષ જેમ જેમ મોટું થશે તેમ તેમ પી.આઈ એચ આર બ્રહ્મભટ્ટની કાર્યનિષ્ઠા અને માર્ગદર્શનની શીતળ છાયા હંમેશા મળતી રહેશે તેવી લાગણી કર્મચારીઓએ વ્યકત કરી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બ્રહ્મભટ્ટની વિદાય સમયે પોલીસ સ્ટાફએ એલસીબીની ફુલોથી શણગારેલી ગાડીમાં પી.આઈ એચ.આર બ્રહ્મભટ્ટને બેસાડીને ગાડી ખેંચીને ભાવસભર વિદાય આપી હતી.

આણંદ એલસીબીમાંથી બદલી થતા વિદાય લઈ રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર બ્રહ્મભટ્ટની પર્યાવરણ બચાવવા અનોખી પહેલ