Close

આણંદમાં ૧૫મી ઓગસ્ટની પૂર્વસંધ્યાએ ભવ્ય મશાલ રેલીનું આયોજન: કરમસદ-આણંદ મહાનગરપાલિકાથી ટાઉનહોલ સુધી ગુંજશે દેશભક્તિના નારા

Publish Date : 11/08/2026

આણંદ ખાતે ૧૪મી ઓગસ્ટે નીકળશે વિશાળ મશાલ યાત્રા; સાંસદ, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ રહેશે ઉપસ્થિત

રાષ્ટ્રપ્રેમની જ્યોત જગાવવા આણંદ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ: શુક્રવારે સાંજે ૬-૦૦ કલાકે યોજાનાર મશાલ રેલીમાં જોડાવા નગરજનોને જાહેર અપીલ

આણંદ, સોમવાર, ભારતના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી ૧૪મી ઓગસ્ટ, શુક્રવારના રોજ એક ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીના પર્વને રાષ્ટ્રભક્તિના ઉત્સાહ સાથે વધાવવા માટે યોજાનારી આ મશાલ રેલી સાંજે ૬:૦૦ કલાકે કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતેથી પ્રસ્થાન કરશે. સમગ્ર આણંદ જિલ્લામાં ૧૫મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ગરિમાપૂર્ણ ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે, જેના આગલા દિવસે આ મશાલ યાત્રા યોજીને વાતાવરણને દેશભક્તિના રંગે રંગવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ ભવ્ય મશાલ રેલી કરમસદ આણંદ મહાનગરપાલિકાની કચેરીથી પ્રારંભ થઈ શહેરના મુખ્ય માર્ગ એવા વેરાઈ માતા રોડ ઉપરથી પસાર થશે. દેશભક્તિના નારા અને મશાલના તેજ સાથે આ રેલી શહેરના ટાઉનહોલ ખાતે પહોંચશે, જ્યાં તેનું સમાપન કરવામાં આવશે. આ મસાલ રેલી દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમની ભાવના ઉજાગર થશે.

આ રાષ્ટ્ર પ્રેમના કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી લોકપ્રતિનિધિઓ, આણંદ જિલ્લાના સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી તથા વિવિધ કોર્પોરેટરશ્રીઓ જોડાશે. આ ઉપરાંત જિલ્લાના પદાધિકારીઓ સહિત જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ મશાલ  યાત્રામાં સહભાગી થઈ રાષ્ટ્રપ્રેમની જ્યોત પ્રજ્વલિત રાખશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આણંદના નગરજનોને આ મશાલ રેલીમાં જોડાવવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રાષ્ટ્રપ્રેમના પ્રતીક સમાન આ આયોજનમાં વધુમાં વધુ નાગરિકો જોડાઈને પોતાનું યોગદાન આપે અને સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાને યાદગાર બનાવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. શુક્રવારે સાંજે યોજાનારી આ રેલીમાં નગરજનોની સહભાગીદારીથી આઝાદીના આ ઉત્સવને નવી ઊંચાઈઓ મળશે.